ભાજપે જિલ્લા પંચાયતમાં માત્ર બે ઉમેદવારોને રિપીટ કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026  |   વડોદરા   |   2277

વડોદરા શહેરની સાથે જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપાની ઉમેદવારી મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ત્યારે આજે ભાજપા દ્વારા વડોદરા જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જાેકે, જિલ્લા પંચાયતમાં ભાજપા દ્વારા બે મહિલા સભ્યોની રીપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલીક બેઠકો પર પતીની જગ્યાએ પત્ની કે પૂત્રને ટીકીટ ફાળવવામાં આવી છે.જ્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમારને પોર બેઠક પરથી ટીકીટ ફાળવવામાં આવી છે.

વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પૈકીની મોટાભાગની બેઠકો પર અનામત બેઠકોની ફાળવણીમાં ફેરફાર થયો છે. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે અનામત બેઠકો બદલાવા છતાં ભાજપા દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં દાવેદારોના રાફડો ફાટ્યો હતો. સેન્સ પ્રક્રિયા બાદ સંકલનની બેઠક મળી હતી. જેમાં બેઠક દીઠ ત્રણ ત્રણના નામોની પેનલ બનાવાઈ હતી. જ્યારે તાલુકા પંચાયત અને નગર પાલિકામાં પણ વોર્ડ દીઠ ત્રણ ત્રણના નામો સાથેની પેનલ બનાવાઈ હતી.

ત્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આજે પ્રદેશ ભાજપા દ્વારા વડોદરા જિલ્લા પંચાયત, જિલ્લાની ૮ તાલુકા પંચાયત અને ડભોઈ, પાદરા, સાવલી અને નવી બનેલી વાધોડિયા નગર પાલિકાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ડેસર અને શેરખી બેઠકના ગત ટર્મના મહિલા સભ્યોને રીપીટ કરવામાં આવ્યા હતા.જ્યારે ડભોઈની સીમળીયા બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિન વકીલના પૂત્ર હર્ષિલ અશ્વિન પટેલની ટીકીટ આપી છે.જ્યારે પોર બેઠક પર વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમારને જ્યારે અનગઢ બેઠક પર વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી પ્રમુખ બિરેન પટેલને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે ભાજપા છોડીને કોંગ્રેસમાં ગયા બાદ માત્ર ૨૪ કલાકમાં ફરી ભાજપામાં પરત ફરનારા સોખડા બેઠક પર પૂર્વ સભ્ય કીરણ રાઠોડના પત્નીને ભાજપ દ્વારા ટીકીટ આપવામાં આવી છે.જાેકે, કેટલીક બેઠકો પર ટીકીટની ફાળવણી બાદ નારાજગી હોવાનું ભાજપા વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution