ગાંધીનગર-

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ હવે કોરોના સંક્રમિત થયા છે. કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ બાદ જાહેર મેદની ભેગી થતી હોવાના કારણે તેમણે પોતે કોરોનાને આમત્રણ આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. જોકે હાલ પાટીલને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સી.આર પાટીલની રેલીમાં ગયેલા મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓમાં હાલ ચિંતા જોવા મળી રહી છે. 

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યક્રમમાં જોડાયેલા વધુ એક નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓ સંક્રમિત થયા હતા. પાટણની મુલાકાત દરમિયાન પાટિલ સાથે ભરત પંડ્યા પણ ગયા હતા અને આ કાર્યક્રમ બાદ ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કમલમમાં પક્ષના કાર્યકર્તાઓ તથા કર્મચારીઓમાં ૭ લોકો કોરોના પોઝીટીવ જાહેર થતાં મંત્રીઓ કે પક્ષના અન્ય અગ્રણીઓમાં ચિંતા સાથે ફફડાય જોવા મળી રહ્યો છે.