લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, માર્ચ 2026 |
1782
વિવિધ રાજ્યોમાંથી આવતા અહેવાલો મુજબ, અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત વધી રહી છે. ગેસ સિલિન્ડર એજન્સીઓ પર લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે. બિહારમાં ઘરેલુ ગેસ સિલિન્ડર ૧૮૦૦ રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં કમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં ૪૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધને કારણે હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ઇન્ડક્શન પર રસોઈ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. ૧,૯૧૮ રૂપિયાનો કોમર્શિયલ સિલિન્ડર ભોપાલમાં બ્લેકમાં ૪૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અહેવાલો સામે આવ્યા છે કે, સરકારે કાળાબજાર રોકવા માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ લાગુ કર્યો છે, પરંતુ કાળાબજાર કરનારાઓ પર તેની કોઈ અસર થઈ નથી. આ કૌભાંડમાં એક ખાનગી ગેસ એજન્સી સંચાલક, કર્મચારીઓ અને દલાલો પણ સામેલ છે. આ ઉપરાંત ગેસની ગેરકાયદેસર રિફિલિંગ કરનારાઓ પણ તકનો લાભ લઈ રહ્યા છે. આ બાજુ ગુજરાતમાં પણ ગેસના બાટલાની બૂમરાણ મચી છે. ગુજરાતમાં કમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે. લખનઉમાં દિવસભર લાઇનમાં ઊભા રહેવા છતાં લોકોને સિલિન્ડર મળી રહ્યું નથી. લોકોનો દાવો છે કે આ બધા છતાં ૯૫૦ રૂપિયાવાળો સિલિન્ડર ૧૬૦૦ રૂપિયા આપવા પર તરત મળી રહ્યું છે.