વડોદરા, તા.૨૩

શહેરના છેવાડે દશરથ ગામ પાસેથી ગત વહેલી સવારે બુટલેગર યુવકનું મધ્યપ્રદેશના દારૂના ઠેકેદારો દ્વારા દારૂ વેચાણના નાણાંની બાકી ઉઘરાણીના મુદ્દે અપહરણ કરવાના ચકચારભર્યા બનાવમાં આબરુ જવાની બીકે હવે શહેર પોલીસે અપહરણનું સાચુ કારણ છુપાવીને જાંઘ બચાવવાનો પ્રયાસ કર્યો છે. આ બનાવમાં છાણી પોલીસે કોઈક કારણસર અપહરણ થયું છે તેવી ફરિયાદ નોંધી સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરતા છાણી પોલીસની કામગીરી વધુ એક વખત વિવાદમાં આવી છે.

કોયલી પાસે આવેલા રામપુરા ગામે જગતપુરા ફળિયામાં રહેતો મહેશ ઉર્ફ ભુરિયો પ્રવિણભાઈ ગોહિલ લીસ્ટેડ બુટલેગર છે અને તે મધ્યપ્રદેશના ઠેકેદારો પાસેથી વિદેશી દારૂનું અત્રે કટીંગ કરાવી તેનું જવાહરનગર તેમજ છાણી પોલીસની હદમાં વેચાણ કરે છે. તેણે મધ્યપ્રદેશના ઠેકેદારો પાસેથી તાજેતરમાં વિદેશી દારૂની ૪૦ પેટીઓની ઉધાર ખરીદી કરી હતી અને પોલીસના નાક નીચે દારૂનું વેચાણ પણ કરી નાખ્યું હતું. જાેકે ઉધાર દારૂના નાણાં ચુકવવામાં મહેશ અખાડા કરતો હોય ગઈ કાલે સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશના ઠેકેદારોએ મહેશને દારૂની ડિલીવરીના બહાને દશરથ આઈટીઆઈ પાસે રોડ પર બોલાવ્યો હતો અને તેને માર મારીને તેનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરી ગયા હતા. લીસ્ટેડ બુટલેગરનું દારૂ વેચાણના નાણાંની તકરારમાં અપહરણના બનાવથી શહેર પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને પોલીસે સમગ્ર મામલો ભારે ગુપ્તતા રાખી આ વિગતો જાહેર થવા દીધી નહોંતી. બીજીતરફ ડીસીબી અને છાણી પોલીસની બે ટીમોએ મધ્યપ્રદેશની બોર્ડર પર દાહોદ પર ટ્રેપ ગોઠવી અપહ્યુત બુટલેગરને સહિસલામત છોડાવી એક અહરણની ધરપકડ કરી હતી જે સમગ્ર ઘટનાક્રમનો અહેવાલ એકમાત્ર ‘લોકસત્તા-જનસત્તા’માં બુટલેગરના નામજાેગ પ્રસિધ્ધ થયો હતો.

જાેકે તમામ વિગતો જાહેર થવા છતાં નફ્ફટ પોલીસ તંત્રએ આબરુ જવાની બીકે છાણી પોલીસ મથકમાં સાવ હાસ્યાસ્પદ ફરિયાદ નોંધી હતી. જગતપુરામાં રહેતા જયરાજ ગણપત પરમારની છાણી પોલીસે ફરિયાદ નોંધી હતી કે તેના ફળિયામાં રહેતો તેનો ફોઈનો છોકરો બુટલેગર મહેશ પરમાર શાકભાજીનો ધંધો કરે છે. ગઈ કાલે સવારે સાડા ત્રણ વાગે મહેશે તેને ફોન કરતા તે પોતાની બાઈક પર મહેશને બેસાડી તેઓ એપીએમસી શાકમાર્કેટમાં ખરીદી કરવા માટે નીકળ્યા હતા. જાેકે તેઓ દશરથ આઈટીઆઈ વાળા રસ્તેથી જતા જયરાજ લઘુશંકા માટે થોડે દુર જતા સાડા ચાર વાગે દશરથ ગામ તરફથી એમપી-૦૯-સીએસ-૨૧૪૧ નંબરની સ્કોર્પિયો કારમાં આવેલા ત્રણથી ચાર જણા મહેશ પાસે ધસી ગયા હતા અને તેઓએ વાતચિત કર્યા બાદ મહેશ સાથે ઝપાઝપી કરી તેનું કોઈક કારણસર કારમાં અપહરણ કર્યું હતું. છાણી પોલીસે આ ફરિયાદના આધારે અજાણ્યા અપહરણકારો સામે ફરિયાદ નોંધી હતી. જાેકે સમગ્ર ફરિયાદમાં બુટલેગર મહેશનું કેમ અપહરણ કરાયું છે ? તેની વિગતો સિફતતાપુર્વક છુપાવી હતી.

છાણી પોલીસ તો ઠીક ખુદ એસીપીએ પણ સાવ જુઠ્ઠાણુ ચલાવ્યું

બુટલેગરના અપહરણના બનાવથી શહેર પોલીસની આબરુના લીરેલીરા ઉડે તેમ હોઈ સમગ્ર પોલીસ તંત્રએ અપહરણના બનાવની માંડીને બુટલેગરનો છુટકારો થાય ત્યાં સુધી તમામ વિગતો ઠેક મોડી રાત સુધી છુપાવી હતી. છાણી પોલીસના પીઆઈ અને સ્ટાફ તો ઠીક ખુદ એ-ડિવીઝનના એસીપી ડી.જે.ચાવડાએ પણ રાત્રે નવ વાગે ફોન કરતા એક કલાકમાં ફરિયાદી આવે એટલે ફરિયાદ નોંધાશે તેમ જણાવ્યું હતું. જાેકે હવે છાણી પોલીસે નોંધેલી ફરિયાદમાં સવારે સાડા ચાર વાગે બનેલા બનાવની છાણી પોલીસે બપોરે ૧૨.૨૦ વાગે ફરિયાદ નોંધી તે કોર્ટમાં પણ ડીસ્પેચ કરી દીધી હોવાનું જણાવતા આ બનાવમાં છાણી પોલીસ સાથે એસીપી ચાવડાના જુઠ્ઠાણાનો ખુદ ફરિયાદમાં જ પર્દાફાશ થયો છે. ખરેખર ફરિયાદ કેટલા વાગે નોંધાઈ ? જાે ફરિયાદ વહેલી નોંધાઈ હતી તો પછી માધ્યમોને કેમ ગેરમાર્ગે દોરાયા ? અને ખરેખર બપોરે ફરિયાદ નોંધાઈ તો શું ખુદ એસીપીને પણ તેની જાણ નહોંતી ? તે પ્રશ્નો જવાબ અનુતીર્ણ રહ્યા છે.

ટ્રેપ દરમિયાન પોલીસને થાપ આપી ૩ અપહરણકારો એક્સયુવીમાં ફરાર

બુટલેગર મહેશના અપહરણકારો બાકી ઉઘરાણીના નાણાં આપીને મહેશને છોડાવી જવાની શરત મુકતા છાણી પોલીસ અને ડીસીબીની અલગ અલગ ટીમો ખાનગી વાહનોમાં તુરંત અપહરણકારોને શોધવા માટે અત્રેથી મહેશના ભાઈ જયરાજ પરમારને સાથે રાખીને મધ્યપ્રદેશ તરફ રવાના થયા હતા. પોલીસે જયરાજને બોલેરો જીપમાં મોકલી અપહરણકારો સાથે સતત વાતચિત ચાલુ રખાવી હતી જેમાં નાણાંના બદલે બોલેરો જીપ આપવાની શરત મુકતા અપહરણકારો અપહ્યુત મુકેશને છોડવા તૈયાર થયા હતા. પોલીસે અપહરણકારોને ઝડપવા માટે ગોઠવેલી ટ્રેપ મુજબ મધ્યપ્રદેશના બોર્ડર પહેલા કતવારા પોલીસ મથકની હદમાં હાઈવે પર ઢાબા પાસે ખુલ્લી જગ્યામાં અપહરણકારો એક્સયુવી કારમાં આવતા જ પોલીસે કારને ઘેરી લઈ સૈાપ્રથમ અપહ્યુત મહેશને સહિસલામત છોડાવીને પોલીસની ગાડીમાં બેસાડ્યો હતો. જાેકે પોલીસ ટ્રેપની ગંધ આવતા જ અપહરણકારોએ ભાગવાની શરૂઆત કરી હતી જેમાં પોલીસે એક અપહરણકાર ૩૨ વર્ષીય મુકેશ સજ્જનસિંહ ડાવર (બડાગુડા, પટેલ ફળિયા, જાેબાટ, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડયો હતો જયારે બાકીને અપહરણકારો પ્રકાશ મંડલોય, નિલેશ ઠાકોર અને શાહરૂખ કારમાં બેસીને ઈન્દોર હાઈવે પર ફરાર થયા હતા. પોલીસે તેઓનો પીછો કર્યો હતો પરંતું તેઓ પોલીસને થાપ આપવામાં સફળ રહ્યા હતા.