કોડિનાર ગુજરાતભરમાં દારૂબંધી છે તેમ છતાં ઘણા બેફામ બૂટલેગરો પોલીસી નજર ચુકવીને ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતાં હોય છે અને યુવાનોને નશાના રવાડે ચડાવતા હોય છે. જે માટે પોલીસ કડક કાર્યવાહી અને ચૂસ્ત બંદોબસ્ત રાખી બૂટલેગરોના હેરાફેરી પર પાણી ફેરવી તેમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હોય છે, પરંતુ આજે કોડીનારથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસ વર્ષો જુના કુખ્યાત બૂટલેગર પર દરોડો પાડવા ગઈ અને લોહીલુહાણ થઈ ગઈ. કોડીનારમાં દારૂના દૂષણ સામે ઉઠેલી વ્યાપક ફરિયાદોને લઈ કોડીનારમાં નવનિયુક્ત ૫ીઆઈ આર.એ. ભોજાણી દ્વારા છેલ્લા ૧૫ દિવસથી કોડીનાર તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે કોડીનારમાં દેશી દારૂનો અડ્ડો જમાવી બેઠેલાં કુખ્યાત બૂટલેગરને ત્યાં પોલીસે રેડ કરી હતી. એ દરમિયાન  ત્રણ કર્મીઓ ઉપર કુખ્યાત બૂટલેગરો તથા તેમના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કારના કાચની પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં ત્રણ પોલીસ કર્મીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણવા મળતી વિગત મુજબ, કોડીનારમાં આવેલા જીન પ્લોટ વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા અને સમગ્ર વિસ્તારમાં દારૂની રેલમછેલ કરતા મુળજી અને રમેશ મોટાપાયે દેશી દારૂનું વેચાણ કરી ધંધો કરે છે. આ બૂટલેગર દ્વારા હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરેલી, તે ફરિયાદની તપાસ અર્થે તેમજ લોકોમાંથી મળતી બાતમી આધારે કોડીનાર પોલીસ મોડી સાંજના સમયે રેડ કરવા ગઈ હતી.