26, ઓક્ટોબર 2020
29700 |
વડોદરા : વેબસાઈટ માધ્યમથી વડોદરાથી ઓનલાઈન સેક્સ રેકેટ ઓપરેટ કરી તેમજ કારેલીબાગ વિસ્તારમાં પોલીસે તૈયાર કરેલા ડમી ગ્રાહકને કોલગર્લને સપ્લાય કરતા રંગે હાથ ઝડપાયેલો નામચીન જીવન ભુલને પોલીસે આજે કોર્ટમાં રજુ કરી તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જયારે જીવન પાસેથી મળેલી સિક્કિમની બંને કોલગર્લ યુવતીઓને કારેલીબાગ પોલીસે દિલ્લી ખાતે તેઓના સંબંધીના ત્યાં રવાના કરી હતી.
અગાઉ દેહવિક્રયના બદનામ ધંધામાં ઝડપાયેલો મુળ દિલ્લીનો વતની જીવન શ્રીલાલ ભુલ હાલમાં વડોદરામાં ચંદનમહલ હોટલમાં રહીને વડોદરામાં બેઠા બેઠા વેબસાઈટના માધ્યમથી દેશભરમાં ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવતો હોવાની કારેલીબાગ પોલીસને જાણ થતા કારેલીબાગ પોલીસે ડમી ગ્રાહક મારફત છટકુ ગોઠવ્યું હતુ અને જીવનને કોલગર્લને સપ્લાય કરતો રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જીવને અત્રે દેહવિક્રય માટે સિક્ક્મથી બોલાવેલી બે કોલગર્લને કારેલીબાગ પોલીસે નિવેદન લઈ તેઓને જીવનના સકંજામાંથી મુક્ત કરાવી હતી અને તેઓની ઈચ્છા મુજબ બંને કોલગર્લને આજે દિલ્લી ખાતે તેઓના સંબંધીના ત્યાં રવાના કરી હતી.
આ બનાવની તપાસ કરતા પીઆઈ આર એ જાડેજાએ જણાવ્યું હતું કે જીવન ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવી મોટાભાગે ઓનલાઈન અને નેટબેકીંગથી પેમેન્ટ લેતો હતો જેથી તેના કઈ બેંકમાં કેટલા ખાતા છે તેની તપાસ કરવાની છે તેમજ તે ગ્રાહકો સાથે મોબાઈલ ફોન પર વાતચિત કરીને ભાવતાલ કરતો હોઈ તેના મોબાઈલ કોલ્સની ડિટેઈલ્સ મેળવી કેટલા ગ્રાહકોએ બંને યુવતીઓનું શોષણ કર્યું છે અને આ દેહવિક્રયના ધંધામાં જીવન સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની વિગતો મેળવવાની હોઈ આજે તેને કોર્ટમાં રજુ કરી તેના બે દિવસના રિમાન્ડ મેળવી ઉક્ત મુદ્દાની તપાસ શરૂ કરી છે.
મથુરામાં સેક્સરેકેટ ઝડપાતા કોલગર્લ વડોદરા આવી
દેહવિક્રય માટે આવતા રંગે હાથ ઝડપાયેલી તેમજ સયાજીગંજની મમતા હોટલમાં રોકાયેલી જીવનની બંને કોલગર્લે પોલીસને જણાવ્યું હતું કે તેઓ અગાઉ મથુરામાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા સાથે રહેતી હતી. મથુરા પોલીસે પણ સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સેક્સ રેકેટની મુખ્ય સંચાલક મહિલાની ધરપકડ કરી હતી તેમજ બંને કોલગર્લને ઉક્ત મહિલાના સકંજામાંથી મુક્ત કરાવી હતી. આ બંને જીવન સાથે સંપર્કમાં હોઈ તેઓ તુરંત મથુરાથી અત્રે આવી ગઈ હતી અને હવે તેઓ દિલ્લીમાં રહેશે.