સરકાર હસ્તક થયેલી જમીન મુક્ત કરાવવાની વાતમાં ફસાવી વેપારી સાથે ૧.૦૫ કરોડની ઠગાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026  |   સુરત   |   1188

જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સરકાર હસ્તક થઇ ગયેલી જમીન છૂટી કરાવી આપવાની વાતમાં ભોળવી ગાંધીનગરનાં ગઠિયાએ કતારગામનાં વેપારીને ૧.૦૫ કરોડનો ચુનો ચોપડ્યો હતો.

અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનાં સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર કતારગામમાં સિલ્વર સ્ટોન હીલ્સ એપાર્ટમેન્ટમાં રમેશ જાદવભાઇ કળથીયા તેમના પરિવાર સાથે રહે છે. રમેશ કળથીયાની ફુલપાડામાં બ્લોક/સર્વે નંબર.૧૧૦/૧ પૈકી ૧/૨ થી નોંધાયેલી જુની શરતની જમીન છે. ટીપી સ્કીમ નંબર ૧૫ના ફાઇનલ પ્લોટ ૮૨ વાળી ૫૫૬૪ ચોરસ મીટર જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ખાલસા થઇ એટલે કે સરકાર હસ્તક જતી રહી છે.

ફૂલપાડામાં ગૌ શાલા સર્કલખી ધરમ નગર રોડ ઉપર જય યોગેશ્વર સોસાયટી પાસે આવેલી અને શ્રીસરકાર થઇ ગયેલી આ જમીન મુક્ત કરાવવા માટે રમેશ કળથીયા ગાંધીનગર સચિવાલયનાં આંટાફેરા કરતાં હતાં. આ દરમિયાન તેમની મુલાકાત ગાંડાભાઇ કચરાભાઇ પ્રજાપતિ (રહે, ૪૯૮/૧,સેક્ટર-૧૨/બી, ગાંધીનગર, સેક્ટર-૧૬ ગાંધીનગર) સાથે થઇ હતી. મે, ૨૦૧૯માં મળેલા ગાંડાભાઇએ તેમનું મહેસુલ વિભાગમાં સારુ નેટવર્ક છે, તેઓ લાયઝનિંગનાં મોટા કામ કરે છે. અધિકારી અને મંત્રીઓ સાથે ઘરોબો હોવાથી બધા કામ પાર પાડી દઉ છું એમ કહી રમેશ કળથીયા ઉપર પ્રભાવ પાડ્યો હતો.

ગાંડાભાઇની વાતમાં આવી ગયેલા કળથીયાએ તેને ટોચ મર્યાદા ધારા હેઠળ હસ્તક ગયેલી પોતાની જમીન કાયદેસર છૂટી કરાવી આપવા કહ્યું હતું. પ્રજાપતિએ ૫૬૬૪ ચોરસ મીટર જમીન ફરી તમારા નામે કરી આપીશ એમ કહી તેના દસ્તાવેજાે મેળવી લીધા હતાં. બાદમાં કામ ચાલુ થઈ ગયાનું કહી કચેરીઓમાં વ્યવહાર કરવાના નામે કળથીયા પાસે ૧.૦૫ કરોડ રૂપિયા માંગ્યા હતાં. આટલી મોટી રકમ આપવામાં કચવાટ અનુભવતાં કળથીયાને ભરોસામાં લેવા માટે ગાંડાભાઇ પ્રજાપતિએ લખાણ કરી આપવાની તૈયારી બતાવી હતી. જમીન સંપાદન મુક્ત ન થાય તો રૂપિયા પરત કરવાની બાંહેધરીનું લખાણ પણ પ્રજાપતિએ આપતા કળથીયાએ તેને પૈસા આપી દીધા હતાં.

સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં આ બધા વ્યવહાર થઈ ગયા હતાં. ચાર વર્ષ વિત્યા છતાં પ્રજાપતિએ જમીનનું કામ કરી આપ્યું ન હતું. વાત આગળ વધતી ન હોવાથી કળથીયાએ તેમની પાસે પૈસા પરત માંગ્યા હતાં. બાંહેધરી અનુસાર પૈસા પરત કરવાની જગ્યાએ ગાંડાભાઇએ પહેલા બહાના બાજી કરી સમય પસાર કર્યો અને પછી પૈસા આપી દઉ છું એવા વાયદા કર્યે રાખ્યા હતાં. આવામાં બીજા ત્રણ વીતી જવા છતાં ન તો જમીનનું કામ થયું કે ન પૈસા પરત કરાયા. આવા સંજાેગોમાં રમેશ કળથીયાએ પ્રજાપતિ સામે વિશ્વાસઘાત છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution