વડોદરા, તા. ૩૧

એમ એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ એક ફોટોજીવી વાઇસ ચાન્સેલર હોવાનું અનેક વખત તેઓ પુરવાર કરી ચુક્યા છે. એટલું જ નહીં તેમની આજ વૃત્તિના કારણે ગત વર્ષની યુનિ. ની ડાયરીમાં પણ છબરડા થયા અને હજારો ડાયરી આજે પણ ધૂળ ખાઈ રહી છે. ત્યારે વાઇસ ચાન્સેલર ફોટો જીવી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ૧૨ મહિનાના કેલેન્ડરમાં પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવના ૨૮ ફોટો છાપવામાં આવ્યા છે. જેના પગલે આજરોજ પૂર્વ સેનેટ સભ્ય કપિલ જાેશી દ્વારા સાયન્સ ફેકલ્ટી નજીક તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોતાના ફોટો છપાવવા માટે પ્રો. શ્રીવાસ્તવ દ્વારા વર્ષોથી ચાલી આવતી કેલેન્ડર છાપવાની પ્રથા પણ બદલી નાખી છે.

એમ એસ યુનિવર્સિટી દ્વારા દરવર્ષે કેલેન્ડર અને ડાયરી પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં કેલેન્ડરમાં માત્ર યુનિ.નો લોગો જ મુકવામાં આવે છે. જયારે તારીખના આંક મોટા અને દૂરથી સ્પષ્ટ જાેઈ શકાય તેવા રાખવામાં આવે છે. જાેકે, યુનિ. ના વાઇસ ચાન્સેલર ફોટો જીવી હોય તેમના દ્વારા યુનિ.ની દાયકાઓ જૂની પ્રથા બદલી નાખવામાં આવી છે. વર્ષ ૨૦૨૪-૨૫ના કેલેન્ડર છપાવવા માટે બનાવવામાં આવેલી કમિટીને કોઈ ન પ્રકારની જાણ કર્યા વિના પોતાની મનમાની ચલાવી પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા યુનિ.ના કેલેન્ડરની ડિઝાઇન બદલી નાખવામાં આવી છે.

કેલેન્ડરમાં યુનિ.ના લોગો સાથે ફોટોગ્રાફ પણ છાપવામાં આવ્યા છે. ૧૨ મહિનાના ૧૨ પેજ પર ત્રણ ત્રણ ફોટો પ્રકાશિત કરાયા છે. જેમાં માત્ર વાઇસ ચાન્સેલર પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવના જ ૨૮ ફોટો પ્રકાશિત થયા છે. તે સિવાય જેમાં પછી બીજા ક્રમે આવે છે યુનિ.ના રજિસ્ટ્રાર ડૉ. કે. એમ. ચુડાસમા જેમના ૨૦ ફોટો પ્રકાશિત થયા છે. જયારે યુનિ.ના ચાન્સેલર અને રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના માત્ર નવ ફોટો જ પ્રકાશિત થયા છે. એટલું જ નહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સહિત અનેક મહાનુભાવોના ત્રણ ત્રણ ફોટો જ પ્રકાશિત થયા છે. ત્યારે યુનિ. કેમ્પસમાં ફોટો જીવી વાઇસ ચાન્સેલરની ચર્ચાએ જાેર પકડ્યું છે.

વાઇસ ચાન્સેલરની આ ફોટો જીવી વૃત્તિ સામે સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ સેનેટ સભ્ય કપિલ જાેષી દ્વારા સાયન્સ ફેકલ્ટી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કપિલ જાેષીએ જણાવ્યું હતું કે, ફોટો જીવી કુલપતિના કારણે યુનિવર્સિટીના કેલેન્ડરમાં અધઃ પતન દેખાય છે અને કુલપતિ કેલેન્ડર બની ગયું હોય તેમ લાગે છે. દિવસે દિવસે થતું યુનિવર્સીટીનું અધઃપતન હવે, છેક કેલેન્ડર સુધી પહોંચ્યું છે. આ યુનિવર્સિટીમાં કોઈપણ વસ્તુ એક આગવી ઓળખ ધરાવતી હતી. જેમાં પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવના પાપે એક પછી એક વસ્તુ પોતાની આગવી ઓળખ ગુમાવી રહી છે. જેમાં હવે, કેલેન્ડરનો પણ સમાવેશ થયો છે. આ વર્ષે અત્યંત કઢંગુ કેલેન્ડર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાે કે, આ વર્ષે કર્મચારી કે અધ્યાપકને ડાયરી આપવામાં આવી નથી.

કપિલે વધુમાં ઉમેર્યું હતું કે, આમ એક નાનકડા કેલેન્ડરને પણ નહિ છોડીને વાઇસ ચાન્સેલર પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવે યુનિવર્સિટીની ગરિમાનું અધઃપતન કર્યું છે. જેના કારણે આવનાર ઈતિહાસમાં બનનાર કેલેન્ડરમાં એમનું નામ કેલેન્ડર બગાડનાર કુલપતિ તરીકે અમર રહેશે.