વડોદરા : કોરોના મહામારીને કારણે અનેક પાબંદીઓ હોવા છતાં ઉત્સવપ્રિયનગરી એવા વડોદરા શહેરના નગરજનોએ ઉલ્લાસપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. અગાસીઓ પર સાઉન્ડ સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક સ્થળે સાઉન્ડ સિસ્ટમ વાગતાં જાેવા મળ્યા હતા. જાે કે, પાબંદીના કારણે આ વરસે પાછલા વરસોની સરખામણીમાં ઓછા પતંગો ચગતા જાેવા મળ્યા હતા. પરંતુ સાંજ થતાં જ આકાશીમાં આતશબાજીનો અનોખો નજારો જાેવા મળ્યો હતો.  

ઉત્સવપ્રિયનગરી એવા વડોદરાવાસીઓએ હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જાે કે, તા.૧૪મીએ ઉત્તરાયણ પર્વે ૧૧ કિ.મી. પ્રતિકલાકે પવન ફૂંકાતાં પતંગરસિયાઓ ખુશખુશાલ થઈ ગયા હતા. પરંતુ તા.૧૫મીએ વાસી ઉત્તરાયણે પવનની આવ-જા ચાલુ રહેતાં પતંગબાજાે થોડા નિરાશ જાેવા મળ્યા હતા. કોરોના મહામારીને કારણે ડી.જે., સાઉન્ડ સિસ્ટમ અને ચાઈનીઝ તુક્કલો ઉડાવવા પર પ્રતિબંધ હોવા છતાં શહેરીજનોએ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. ઉત્તરાયણના દિવસે સવારથી જ પવન સારો હોવાથી પતંગરસિકો સવારથી જ ધાબા અને અગાસીઓ ઉપર જાેવા મળ્યા હતા, સાથે સાથે લોકોએ ઊંધિયું, જલેબી, ફાફડા, ચીક્કી, લાડુ સહિતની જયાફતો ઉડાવી હતી.

જાે કે, કોરોના મહામારીના કારણે મંદી વચ્ચે પાછલા વરસોની તુલનામાં આ વરસે આકાશમાં ઘણા ઓછા પતંગો ઉડતા જાેવા મળ્યા હતા. પરંતુ સાંજે રંગબેરંગી આતશબાજીથી અનોખો નજારો આકાશમાં જાેવા મળ્યો હતો. પ્રતિબંધના કારણે ગણતરીના ગુબ્બાઓ જાેવા મળ્યા હતા. જૂના શહેરી વિસ્તાર તેમાંય ખાસ કરીને ચાર દરવાજ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વે અનોખો ઉત્સાહપૂર્વક માહોલ જાેવા મળ્યો હતો અને દિવસ દરમિયાન એ કાઈપો.... લપેટ-લપેટ...ની ગુંજ સાથે પતંગબાજાેએ મજા માણી હતી. આમ કોરોનાની મહામારી વચ્ચે નવા વર્ષનો પ્રથમ તહેવાર એવા ઉત્તરાયણ પર્વની લોકોએ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

પરંતુ પાછલા વરસોની સરખામણીમાં પતંગો, આતશબાજી, ગુબ્બારાઓ ઓછા જાેવા મળ્યા હતા.

અનેક લોકોએ ચાર દિવસના પ્રવાસનું આયોજન કર્યું

વડોદરા. કોરોના મહામારીના કારણે કેટલીક પાબંદીઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે મંજૂરી આપવામાં આવતાં તેમજ ગુરુવાર-શુક્રવારની સાથે શનિવાર અને રવિવારની એમ ચાર દિવસની રજાનું આયોજન કરીને અનેક લોકો બહારગામ પ્રવાસ ઉપડી ગયા હતા. સામાન્ય રીતે દર વરસે ઉત્તરાયણ પૂર્વે કેટલાક લોકો બહારગામ પ્રવાસે જતા હોય છે પરંતુ આ વરસે બહારગામ જનારની સંખ્યા વધુ હતી. તેમાંય નજીકના પ્રવાસન સ્થળો જેવા કે રાજસ્થાન, દીવ, દમણ, સાપુતારા વગેરે સ્થળોએ અનેક લોકો પ્રવાસે ઉપડી જતાં ઉત્તરાયણ પર્વે દર વર્ષની જેમ રોનક જાેવા મળી ન હતી.

જીવલેણ ઉત્તરાયણ

• વિવિધ બનાવમાં ઈજા ૧૯

• પતંગ દોરીથી મોત ૦૨

• પક્ષીઓનાં મોત ૩૫

• પક્ષીઓ ઈજાગ્રસ્ત ૪૦૦થી વધુ