દિવાળીની ધામધૂમથી ઉજવણી, ચોપડા પૂજન સાથે મોડી રાત સુધી આતશબાજી

દિવાળીની ધામધૂમથી ઉજવણી, ચોપડા પૂજન સાથે મોડી રાત સુધી આતશબાજી

વડોદરા, તા. ૧૨

વર્ષભરના ખાટા-મીઠા સંભારણા સાથે શહેરીજનોએ આજે દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરીને સંવત ૨૦૭૯ને વિદાય આપી હતી. આજે સવારથી શહેરીજનોએ મકાનો, પેઢીઓ, ઓફિસો અને દુકાનોમાં પૂજાપાઠનું આયોજન કરી માં લક્ષ્મી અને માં સરસ્વતી પૂજન કર્યું હતું. મોડી સાંજ બાદ શહેરીજનોએ મકાનોમાં તેમજ સરકારી કચેરીઓમાં કરેલી રોશનીથી સમગ્ર શહેર ઝળહળી ઊઠ્યું હતું. દિવાળીનો હર્ષોલ્લાસ વચ્ચે મોડી રાત સુધી શહેરમાં હોટેલો અને ખાણીપીણીની લારીઓ પણ ભારે ભીડ જામી હતી.

ઉત્સવપ્રિયનગરી તરીકે જાણીતા વડોદરામાં આ વર્ષે પણ પરંપરાગત દિવાળીના તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વર્ષભર સતત વ્યસ્તતા બાદ આજથી સરકારી કચેરીઓ ઉપરાંત મોટાભાગની ખાનગી કંપનીઓમાં પણ ચારથી પાંચ દિવસની રજા જાહેર કરવામાં આવતા શહેરીજનોમાં દિવાળીના તહેવારની ઉજવણીનો ઉત્સાહ બેવડાયો હતો. કામકાજના સતત ભારણ વચ્ચે દિવાળીનું મિની વેકેશનનો આજથી પ્રારંભ થતાં જ શહેરીજનોએ આસ્થા અને ઉમંગ સાથે પરિવાર તેમજ સંબંધીઓ અને મિત્રો સાથે મળીને દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળી નિમિત્તે મા લક્ષ્મીજી અને સરસ્વતી પૂજનના ધાર્મિક કાર્યક્રમો બાદ મોડી સાંજથી દિવાળીનો માહોલ જામ્યો હતો. મોડી સાંજે શહેરીજનોએ પરિવાર સાથે આતશબાજી સાથે ફટાકડા ફોડતા સમગ્ર શહેરનો મોટાભાગનો વિસ્તાર સાંજથી મોડી રાત સુધી ફડાકડાના ધૂમધડાકાથી ગુંજતો રહ્યો હતો.

દિવાળીના નિમિત્તે શહેરીજનોએ મકાનો પર તેમજ સરકારી કચેરીઓ અને ઐતિહાસિક ઈમારતો પર તંત્ર દ્વારા કરાયેલી રોશનીના કારણે સમગ્ર શહેરના તમામ વિસ્તારો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. દિવાળીની ઉજવણી બાદ મોટાભાગના શહેરીજનો હોટલો અને લારીઓ પણ નાસ્તો કરવા અને જમવા માટે ઉમટી પડતા તમામ હોટલો અને લારીઓ પર ભીડ જાેવા મળી હતી. દિવાળી અગાઉ ગઈ કાલે કાળીચૈાદશ નિમિત્તે શહેરના સુરસાગર ખાતે શ્રી હઠીલા હનુમાનજી મંદિરમાં આયોજિત ૧૧૧૧ હનુમાન ચાલિસાના સામૂહિક પાઠ વહેલી સવાર સુધી ચાલ્યા હતા. આ ઉપરાંત આજે વિવિધ મંદિરોમાં અન્નકુટનું પણ આયોજન કરાયું હતું જે નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. આ ઉપરાંત કારેલીબાગ જૈન સંધ ખાતે પણ જૈન શાસ્ત્રીય પધ્ધતિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. દિવાળીના બીજા જ દિવસે નવુ વર્ષ આવતું હોય છે પરંતું આવતીકાલે પડતર દિવસ હોઈ મંગળવારે નવા વર્ષની ભવ્ય ઉજવણી માટે શહેરીજનો તત્પર બન્યા છે.

અટલાદરા સ્વામીનારાયણ મંદિર ખાતે સમૂહ ચોપડા પૂજનનો કાર્યક્રમ યોજાયો

અટલાદરા સ્વામીનારાયણ મંદિર ખાતે દિપાવલી પર્વની સવારે સમૂહમાં ચોપડા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વેપારી વર્ગ જોડાઈને સમગ્ર વર્ષ દરમિયાન લખાતી રોજનીશીના ચોપડાનું પૂજન કરીને વેપાર -ધંધામાં વૃદ્ધિ થાય તે માટે મહાલક્ષ્મીજી અને સરસ્વતી માતાને પ્રાર્થના કરી હતી.

ચોપડાપૂજનમાં ડિજિટલાઈઝેશન

વર્ષ દરમિયાન લખાતા લાલ ચોપડાનું ચલણ હવે પૂરું થવા આવ્યું છે. માત્ર દિવાળી વખતે થતાં ચોપડા પૂજનમાં જ ચોપડા ખરીદીને પરંપારિક વિધી કરવામાં આવે છે. જાેકે, હિસાબ - કિતાબ તો હવે મોબાઈલ કે લેપટોપમાં ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવતો હોવાથી લોકો ચોપડા પૂજનમાં સાથે લેપટોપની પણ પૂજા અર્ચના કરતા જાેવા મળ્યાં હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution