ગાંધીનગર-

દેશ અને રાજ્યના રાજકારણમાં મધ્ય ગુજરાતના એક માત્ર નેતા સ્વ. ચીમનભાઇ પટેલે જ પોતાની આગવી છાપ છોડી હતી. સ્વ. ચીમનભાઇ પટેલ સંખેડા વિધાનસભાના ધારાસભ્યથી મુખ્યમંત્રી સુધીનો રાજકીય સફર કર્યો હતો. સ્વ. ચીમનભાઇ પટેલનો એક સમયે દેશના ચાર વડાપ્રધાન સાથે ઘરોબો પણ હતો. શહેર-જિલ્લાનાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોનું દિલ્હી અને ગાંધીનગરમાં કોઈ પ્રકારનું વજન પડતું નથી.

સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રી મંડળમાં સમાવેશ થશે કે નહીં ? તેવો શહેર-જિલ્લાના ધારાસભ્યોમાં આત્મવિશ્વાસ જ નથી. શહેર-જિલ્લાના કેટલાક ધારાસભ્યો મોસ્ટ સિનિયર હોવાછતાં દિલ્હી-ગાંધીનગરમાં તેઓની રાજકીય ધાક નથી.ગુજરાતના રાજકીય ઈતિહાસમાં અત્યારસુધી વડોદરાની નેતાગીરી વામણી પુરવાર થઈ છે. છેલ્લાં ૦૬ દાયકામાં શહેર કોંગ્રેસ કે ભાજપના નેતાઓ ઝ્રસ્ અથવા પ્રદેશ અધ્યક્ષની ધુરા સંભાળવાની લાયકાત કેળવી શક્યો નથી. અગ્રણી પક્ષના સ્થાનિક નેતાઓ કેન્દ્ર કે રાજ્યના રાજકરણમાં પોતાની છાપ છોડવામાં અસફળ રહયાં છે. ગુજરાતમાં લગભગ ૨૯ વર્ષ કોંગ્રેસે રાજ કર્યુ, જ્યારે છેલ્લાં ૨૩ વર્ષથી સત્તા ભાજપ પાસે છે. ગુજરાતના સક્રિય રાજકારણમાં શહેરના અગ્રણી રાજકીય પક્ષના સ્થાનિક નેતાઓનો કેટલો સિંહફાળો ? કોંગ્રેસ કે ભાજપના સ્થાનિક નેતાઓ ગુજરાતના સક્રિય રાજકારણમાં પોતાની આગવી ઓળખ બનાવી શક્યા નથી. શહેરના સ્થાનિક નેતાઓ મુખ્ય પ્રધાન કે કોંગ્રેસ કે ભાજપના સંગઠનના વડા બની શક્યા નથી. કારણ જે પણ હોય પરંતુ, ગુજરાતના રાજકીય ઈતિહાસમાં અત્યારસુધી વડોદરાની નેતાગીરી વામણી પુરવાર થઈ છે તે એક કડવું સત્ય છે. વડોદરાના નેતાઓમાં રાજકીય કુનેહ, વિચક્ષણતા અને કોઠા સુઝની ઉણપ ઉપરાંત મોટા ભાગના નેતાઓમાં શૈક્ષણિક લાયકાતનો અભાવ જવાબદાર ગણાઈ શકે છે. રાજ્યમાં કોંગ્રેસની સરકારમાં ફતેસિંહરાવ ગાયકવાડ, ડો.ઠાકોરભાઇ પટેલ, મણીભાઇ વાસણવાળા, સનત મહેતા, ભીખાભાઇ રબારી, રમેશ ઠાકોર, સી.એન. પટેલ અને ભાઇલાલભાઇ કોન્ટ્રક્ટર મંત્રી હતાં. તેવી રીતે ભાજપ સરકારમાં નલીન ભટ્ટ, ભૂપેન્દ્ર લાખવાલા, જીતેન્દ્ર સુખડીયા, યોગેશ પટેલ અને રાજેન્દ્ર ત્રિવેદી મંત્રી હતાં. આ ઉપરાંત જનતા સરકારમાં મકંરદ દેસાઇ પણ એક સમયે મંત્રી રહયાં હતાં. શહેરના રાજકારણમાં કોંગ્રેસ અને ભાજપમાં ધુરંધર નેતાઓ હોવાછતાં મુખ્ય પ્રધાન બનવાનું સોભાગ્ય ભૂતકાળમાં કે વર્તમાનના ધારાસભ્યોને હજુસુધી નસીબ થયું નથી. અલબત્ત સ્થાનિક નેતાઓ બે પૈકી એક પણ રાજકીય પક્ષના સંગઠનના અધ્યક્ષ સુધી પહોંચવામાં સફળ રહયા નથી. ઉલ્લેખનીય છે કે, અગ્રણી રાજકીય પક્ષના ચૂંટાયેલાં સ્થાનિક સાંસદો કેન્દ્રની સરકારમાં મંત્રી પણ બની શક્યા નથી. એકંદરે મધ્ય ગુજરાતનો પત્તો નોકરીયાતો અને શાંતિ પ્રિય શહેરીજનોનો હોવાનું કહેવાય છે. આ શાંતિ પ્રિય પ્રજા એકંદરે રાજનીતિના કાવાદાવાથી દૂર રહેવાનું પસંદ કરી રહી છે. શહેરમાં બહાર આવેલા કેટલાંક નેતાઓએ ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક રાજકારણમાં પગદંડો જમાવ્યો છે. શહેરના કર્મભૂમિ બનાવનાર નેતાઓની રાજકરણમાં સક્રિય ભૂમિકા છે. એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરનાર કેટલાંક પૂર્વ વિદ્યાર્થીઓ સફળ રાજકારણી તરીકે પ્રસ્થાપિત થયાં છે. સીએમ બનવામાં ગુજરાતના રાજકીય ઈતિહાસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ધારાસભ્યોનું વર્ચસ્વ રહયું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, મહુવા, વિસાવદર, રાજકોટ-૨, રાજકોટ (વે), જ્યારે ઉત્તરમાં દેહગામ, ઊંઝા, રાધનપુર, સાબરમતી, ધંધુકા, મણીનગર, ઘાટલોડીયા, ભાદરણ અને દક્ષિણની ઓલપાડ, વ્યારાના વિધાનસભાના ધારાસભ્યો ઝ્રસ્ બન્યાં છે.