ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર: હવે ખાનગી કંપનીઓ-એનજીઓ પણ ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકશે
05, ઓગ્સ્ટ 2021 396   |  

દિલ્હી-

હવે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ બહાર પાડવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કરીને તેને સરળ બનાવી દીધા છે. નવા નિયમ પ્રમાણે ખાનગી વાહન ઉત્પાદકો, ઓટોમોબાઈલ અસોસિએશન, એનજીઓ કે કાયદાકીય ખાનગી ફર્મો સહિતની વિવિધ સંસ્થાઓને માન્યતા પ્રાપ્ત ડ્રાઈવર પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ તેઓ નિર્ધારિત પ્રશિક્ષણ પાઠ્‌યક્રમ પૂર્ણ કરનારા લોકોને ડ્રાઈવિંગ લાઈસન્સ પણ આપી શકશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ મામલે સૂચના પણ બહાર પાડી દીધી છે.

મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા દિશા-નિર્દેશો પ્રમાણે ડ્રાઈવિંગ લાઈસન્સ ફાળવવાની નવી સુવિધા સાથે ક્ષેત્રીય પરિવહન કાર્યાલયો (આરટીઓ) દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સ ફાળવવાની પ્રક્રિયા પણ ચાલુ રહેશે.મંત્રાલયે ૨ ઓગષ્ટ, ૨૦૨૧ના રોજ પોતાના નિવેદનમાં કહ્યું કે, માન્ય સંસ્થાઓ જેવી કે, કંપનીઓ, બિનનફાકારી સંગઠન, ખાનગી સંસ્થાઓ, ઓટોમોબાઈલ અસોશિએશન, વાહન નિર્માતા સંઘ, સ્વાયત્ત સંસ્થા, ખાનગી વાહન નિર્માતા ચાલક પ્રશિક્ષણ કેન્દ્ર (ડીટીસી)ની માન્યતા માટે અરજી કરી શકશે. માન્યતા પ્રાપ્ત કેન્દ્રોએ ઓનલાઈન પોર્ટલ બનાવવું પડશે જેમાં પ્રશિક્ષણ કેલેન્ડર, ટ્રેનિંગ કોર્સ સ્ટ્રક્ચર, પ્રશિક્ષણના કાર્યો અને કાર્ય દિવસોની જાણકારી આપવી પડશે. આ ઓનલાઈન પોર્ટલમાં પ્રશિક્ષણ-પ્રશિક્ષિત લોકોની યાદી, પ્રશિક્ષકોની ડિટેઈલ્સ, ટ્રેઈનિંગના પરિણામો, ઉપલબ્ધ સુવિધા, રજાઓની યાદી, ટ્રેઈનિંગ ફીસ વગેરે જાણકારીઓ પણ આપવી પડશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution