આસ્થા હોમ્સ ગ્રૂપનાં બિલ્ડર લક્ષ્મીદાસ વેકરીયા દ્વારા જમીન વેચાણમાં રૂ. ૩.૫૦ કરોડનું ચીટિંગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026  |   સુરત   |   1188

આસ્થા હોમ્સ નામથી કન્સ્ટ્રક્શનનું કામ કરતાં બહુચર્ચિત બિલ્ડર લક્ષ્મીદાસ વેકરિયાએ સણિયા હેમાદની જમીનનાં વેચાણમાં ચીટિંગ કર્યાની ફરિયાદ સારોલી પોલીસ મથકમાં નોંધાઇ છે.

સુમુલડેરી રોડ ઉપર રોયલ પાર્ક સોસાયટીમાં રહેતાં વિરેન જયંતિભાઇ અજુડીયા જમીન લે-વેચ તથા કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. જમીન દલાલીનું કામ કરતાં વ્રજલાલ બાલુભાઈ વેકરીયા સાથે અજુડીયાને ઘણાં સમયથી ઓળખ પરિચય હતો. અજુડીયા વ્રજલાલ થકી તેમના ભાઈ લક્ષ્મીદાસ વેકરીયા સાથે સંપર્કમાં આવ્યા હતાં. લક્ષ્મીદાસ વેકરીયાએ અજુડીયાને જણાવ્યું હતું કે, તેમની સણીયા હેમાદમાં આવેલી બ્લોક નં.૧૭૨/અ, રે.સર્વ નં.૧૫૫ પૈકીની જુની શરતની ૪૫૫૩ ચોરસ મીટર જમીનનો અમુક હિસ્સો વેચાણ આપવાનો છે.

ડેવલપિંગ એરિયા હોવાથી વિરેને તેમના કાકા વિઠ્ઠલભાઈ તથા મિત્ર સાગર ભાયાણીને આ બાબતે વાત કરી હતી. બાદમાં તેઓએ ભાગીદારીમાં હિસ્સો રાખવા સંમત થયા હતાં. ૧૯મી ઓક્ટોબર ૨૦૧૬નાં રોજ તેઓએ આ જમીનમાં ૩૩.૮૫% હિસ્સો એટલે કે ૧૫૪૧ ચોરસ મીટરનો ભાગ ૩.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જેમાં ૩,૪૨,૦૦,૦૦૦ રૂપિયા રોકડા અને ચાર લાખ ચેકથી અપાયા હતાં. પેમેન્ટ ચૂકવ્યા બાદ વેકરિયાને એ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ કરી આપવા કહેવાયું હતું. જેમાં તેમણે બહાનાબાજી કરી સમય પસાર કરવા માંડતાં અજુડીયાને શંકા ગઇ હતી. તેઓએ તપાસ કરાવતાં જાણવા મળ્યું કે, લક્ષ્મીદાસ વેકરીયાએ ૧૬ જુન, ૨૦૨૦ના રોજ ધનપાલભાઈ મનુભાઈ શાહ નામના વ્યકતીને આખી જમીન વેચી રજીસ્ટર્ડ સાટખત પણ કરી આપ્યો છે. આ મામલે વેકરિયાને પૂછવામાં આવતાં તેમણે મારે નાણાંની જરૂર હોવાથી ધનપાલ શાહ પાસે પૈસા લીધા છે, જેની સામે સિક્યુરીટી પેટે સાટાખત કરી આપ્યો છે, જમીન વેચી નથી એવો ખુલાસો કર્યો હતો. સાથે જ આઠ માસમાં સાટાખત રદ કરાવી તમને દસ્તાવેજ કરી આપીશ એવો વાયદો પણ કર્યો અને બાંહેધરીનું નોટરાઇઝ લખાણ પણ કરી આપ્યું હતું.

આ સમય વિત્યા છતાં વેકરિયાએ ધનપાલ મનુભાઈ શાહને કરી આપેલ સાટાખત રદ કરાવી અજુડીયાને દસ્તાવેદ કરી આપ્યો ન હતો. ત્યારબાદ માર્ચ ૨૦૨૫માં અજુડીયાએ રેવન્યુ રેકર્ડની નકલો કઢાવતાં એવું જાણવા મળ્યું કે, માર્ચ ૨૦૨૫માં લક્ષ્મીદાસના કુલમુખત્યાર તરીકે તેના ભાઇ વ્રજલાલે જનક બાલુભાઇ ભાલાળા તથા રાજેન્દ્ર મનુભાઈ કાકડીયાનાં નામે એ જમીનનો દસ્તાવેજ કરી દીધો છે. પોતે ખરીદી હતી એ જમીનનો માલિક લક્ષ્મીદાસે ધનપાલ શાહને સાટાખત કરી આપ્યો જ્યારે પાવરદાર તરીકે તેના ભાઈ વ્રજલાલે ભાલાળા અને કાકડીયાને દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાનું જાણવા મળતા વિરેન અજુવડીયાએ તેમની સામે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution