ચેલ્સી પર ₹૯૨ કરોડનો દંડ, ટ્રાન્સફર પ્રતિબંધ લાગુ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, માર્ચ 2026  |   2772

નવીદિલ્હી: પ્રીમિયર લીગે ચેલ્સી ફૂટબોલ ક્લબ પર નાણાકીય નિયમોના ઉલ્લંઘનના કેસમાં ૯૨ (૧૦ મિલિયન પાઉન્ડ) કરોડનો દંડ ફટકાર્યો છે.

ક્લબ પર એક વર્ષનો ટ્રાન્સફર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પરંતુ તેને બે વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. આ કાર્યવાહી ૨૦૧૧ થી ૨૦૧૮ દરમિયાન કરવામાં આવેલી ગુપ્ત ચૂકવણીઓને લઈને કરવામાં આવી છે. ક્લબે ઈડન હેઝાર્ડ, વિલિયન અને ડેવિડ લુઈઝ જેવા મોટા ખેલાડીઓને સાઈન કરવા માટે અનરજિસ્ટર્ડ એજન્ટોને કરોડો રૂપિયા આપ્યા હતા.

આ આખી ગડબડ તે સમયની છે જ્યારે ક્લબના માલિક રશિયન અબજાેપતિ રોમન અબ્રામોવિચ હતા. વર્ષ ૨૦૨૨માં જ્યારે ‘બ્લુકો’ ગ્રુપે ક્લબ ખરીદ્યું, ત્યારે તેમને એકાઉન્ટ્સની તપાસ દરમિયાન આ ગુપ્ત ચૂકવણીઓ વિશે જાણ થઈ. નવા મેનેજમેન્ટે પોતે આગળ વધીને પ્રીમિયર લીગને આ ઉલ્લંઘનોની જાણકારી આપી. તપાસમાં સામે આવ્યું કે ક્લબ સાથે સંકળાયેલા ત્રીજા પક્ષ દ્વારા ખેલાડીઓ, અનરજિસ્ટર્ડ એજન્ટો અને અન્ય લોકોને ગુપ્ત ચૂકવણીઓ કરવામાં આવી હતી. આ ચૂકવણીઓની જાણકારી તે સમયે ફૂટબોલ ઓથોરિટીને આપવામાં આવી ન હતી, જે નિયમો વિરુદ્ધ છે.

પ્રીમિયર લીગ અનુસાર, આ ચૂકવણીઓ ચેલ્સીના હિતમાં કરવામાં આવી હતી અને તેને ક્લબના ખર્ચ તરીકે દર્શાવવી જાેઈતી હતી. ક્લબે એ પણ સ્વીકાર્યું કે આ ચૂકવણીઓને છુપાવવી અને સાચી જાણકારી ન આપવી એ નિયમોનું ઉલ્લંઘન છે.

જાેકે, તપાસ પછી એ સ્પષ્ટ થયું કે જાે આ ચૂકવણીઓને યોગ્ય રીતે શામેલ કરવામાં આવી હોત, તો પણ ચેલ્સી નિયમોનું ઉલ્લંઘન ન કરત. જાે ક્લબે પોતે આની જાણકારી ન આપી હોત, તો તેમના પર વધુ કડક કાર્યવાહી થઈ શકતી હતી અને તેમના પોઈન્ટ્સ પણ કાપી શકાયા હોત.તપાસમાં સામે આવ્યું છે કે ક્લબે સાત અનરજિસ્ટર્ડ એજન્ટો અથવા તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓને કુલ ૨૩ મિલિયન પાઉન્ડ (લગભગ ૨૫૦ કરોડ રૂપિયા) આપ્યા હતા. આ પૈસા ઈડન હેઝાર્ડ, રામિરેસ, ડેવિડ લુઈઝ, આન્દ્રે શુર્લે અને નેમાનજા મેટિક જેવા ખેલાડીઓને સાઈન કરવા માટે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સેમ્યુઅલ ઈટો અને વિલિયનની ટ્રાન્સફર ફી તરીકે લગભગ ૨૧૦ કરોડ રૂપિયાની ચુકવણી પણ રેકોર્ડમાં દર્શાવવામાં આવી ન હતી.

માત્ર ખેલાડીઓના ટ્રાન્સફર જ નહીં, પરંતુ ક્લબના સ્ટાફને કરવામાં આવેલી ચુકવણીમાં પણ ગડબડ જાેવા મળી. ક્લબના તત્કાલીન ડાયરેક્ટર ઓફ ફૂટબોલ ફ્રેન્ક અર્નેસન, સ્કાઉટ પીટ ડી વિસર અને અન્ય એક સ્ટાફ મેમ્બરને લગભગ ૧૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેને તેમનો પગાર માનવામાં આવ્યો હતો પરંતુ તેને સત્તાવાર રીતે રિપોર્ટ કરવામાં આવ્યો ન હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution