બીજિંગ/દિલ્હી

લદ્દાખ સરહદેથી ચીન અને ભારતે પોતાની સેનાને પાછળ હટાવ્યા બાદ હવે ડ્રેગને ફરી વાર દોસ્તીનો રાગ આલાપ્યો છે. ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ જણાવ્યું કે, 'ચીન અને ભારત એકબીજાના મિત્ર અને ભાગીદાર છે. બંને એકબીજા માટે ખતરો નથી.'

પેંગોંગમાં બંને દેશોની સેના પાછળ હટ્યા બાદ વાંગ યીની ભારત-ચીનના સંબંધો પર આ પહેલી ટિપ્પણી છે. વાંગ યીએ જણાવ્યું કે, 'ચીન-ભારતના સંબંધો એવાં છે કે જેવી રીતે દુનિયાના બે સૌથી મોટા વિકાસશીલ દેશો એકસાથે મળીને વિકાસ અને કાયાકલ્પને આગળ ધપાવે છે.' આ પહેલાં ચીનમાં નિયુકત ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ ચીનના ઉપવિદેશપ્રધાન લુઓ ઝાઓહુઇ સાથે મુલાકાત કરી. તેમણે પૂર્વીય લદ્દાખના બાકીના વિસ્તારોમાંથી બંને દેશોની સૈનિકોની વાપસીની પ્રક્રિયા પૂરી કરવાની જરૂરિયાત પર ભાર મુકયો.

તેમણે કહ્યું કે, 'આના કારણે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવામાં મદદ મળશે. આ સાથે જ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષિય સંબંધોની પ્રગતિ માટે પણ અનુકૂળ માહોલ બનશે.' તેઓએ પૂર્વી લદ્દાખ ગતિરોધની સીધી રીતે રજૂઆત કર્યા વગર જ જણાવ્યું કે, 'સીમાવર્તી ક્ષેત્રમાં ગયા વર્ષે જે કંઇ સાચું કે ખોટું થયું તે સ્પષ્ટ છે.' વાંગે કહ્યું કે, 'અમે સીમા વિવાદ વાર્તા અને પરામર્શના આધારે હલ કરવા પ્રતિબદ્ઘ છીએ. આ સાથે જ અમે અમારા સાર્વભૌમ અધિકારોની પણ રક્ષા કરવાનો સંકલ્પ લઇએ છીએ.