બપોરે ૧૨ વાગ્યે કોમર્સ ને અઢી વાગ્યે લો ફેકલ્ટીમાં છૂટા હાથની મારામારી

વડોદરા, તા. ૨૭

યુનિ.ની સુરક્ષા સામે અગાઉ પણ પ્રશ્નો ઉઠયા છે! આજે એક જ દિવસમાં બે ફેકલ્ટીઓમાં વિદ્યાર્થી જૂથો દ્વારા છૂટા હાથની મારામારી કરાતા યુનિ. અને વિજિલન્સની ટીમ સામે અનેક સવાલો ઉભા થયા છે.મારામારી કાબૂમાં ન આવતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. આમ, વિવાદોના વંટોળમાં ઘેરાયેલી મ.સ. યુનિ. મારામારી તેમજ અસામાજીક પ્રવૃતિઓનો અડ્ડો બની ગઈ હોય તેમ જણાઈ આવે છે.

છેલ્લા કેટલાક સમયથી યુનિ.ના તંત્રની બેદરકારીના પાપે વિવિધ વિદ્યાર્થી સંગઠનો તેમજ સેનેટ સભ્યો દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે. જેને કારણે સંગઠનો દ્વારા ગાંધી ચિધ્યા માર્ગ અને વિર ભગતસિંહજીના માર્ગ પર જવાની ફરજ પડી રહી છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની સીટ વધારવાની માગણી સાથે અનેક સંગઠનો ધરણાં પર ઉતરેલા જાેવા મળી રહ્યા છે ત્યારે આજે વિરોધ દરમ્યાન જ એજીએસજી ગ્રૂપ અને એજીએસયુ ગ્રૂપ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી, જેમાં બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય એક બનાવમાં લો ફેકલ્ટી ખાતે ઉદ્‌ભવેલા વિવાદ સંદર્ભે એલએફએસએ ગ્રૂપ દ્વારા તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન યોજયું હતું. તાળાબંધી સમયે સામાન્ય વાતોમાં બોલાચાલી ઉગ્ર બનતા બન્ને જૂથો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આમ, એક જ દિવસે બે ફેકલ્ટીમાં મારામારીના બનાવ બનતા વિજિલન્સ ટીમની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા.

યુનિ.માં સુરક્ષાના ફરી લીરેલીરા, તમાશો જાેતાં સત્તાધિશો

મારામારી દરમ્યાન એજીએસયુ ગ્રુપનો એક યુવક જેને અન્ય ગ્રુપના વિદ્યાર્થીના માથામાં કડુ મારી દેતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. પરતું કડુ મારનાર યુવક યુનિ.નો ન હોવાનો આક્ષેપ એજીએસજી ગ્રુપના હર્ષિલ રબારીએ લગાવ્યો હતો આક્ષેપ બાદ યુનિ.માં ચાલતા વહિવટ અને તંત્રની બેજવાબદારી સામે આવી છે. લોકોએ યુનિ.ની સુરક્ષા બાબતે અનેે નિષ્ફળ તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા.

સત્તાધિશોનું વિજિલન્સ ઓફિસરની નિમણૂક પર મૌન

નોટીસ પીરીયડ પર ફરજ બજાવતા વિજીલન્સ ઓફિસર પી.પી. કાનાણીને ફરજ મુકત થવાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સત્તાધીશો નવા ઓફિસરની નિમણૂક બાબતે હજી મૌન જ ધારણ કર્યું હોવાથી યુનિ.ની સુરક્ષા બાબતે નિષ્કાળજીના દર્શન લોકોને કરાવ્યા છે. એક જ દિવસમાં બે ફેકલ્ટીમાં થયેલી મારામારીને કંટ્રોલ ન કરી શકતા તેમને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી ત્યારે ઓફિસરની નિમણૂક થશે કે કેમ? તેમજ કોઈ નેતાની જેમ નિમણૂક બાબતે મૌન સેવાયું હોવાથી પાછલાં બારણે કયો ખેલ ખેલાઈ રહ્યો છે તેની ચર્ચાએ પણ જાેર પક્ડયુ છે.

મારામારી બાબતે ફરિયાદ થશે કે સમાધાન, ચર્ચાનો વિષય

એક તરફ એજીએસયુ ગ્રુપની વિદ્યાર્થીનીએ વગર વાંકે અન્ય ગ્રુપના વિદ્યાર્થીને લાફો ચોડી દીધો હતો અને પૂર્વ કાવતરું હોવાના આક્ષેપ સાથે મારામારી થઈ હોવાના આક્ષેપ થયા હતા. જેથી એજીએસજી ગ્રુપ દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવા બાબતેની વાત કહી હતી જ્યારે એજીએસયુ ગ્રુપ દ્વારા સમાધાન બાબતનું જણાવતા બન્ને બાબતે અસમંજસ જાેવા મળી હતી જેથી ફરીયાદ થશે કે સમાધાન તે બાબતે પ્રશ્નાર્થ ચિહ્ન જાેવા મળ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution