વડોદરા, તા. ૧૧

મકરપુરા પોલીસ સ્ટેશનમાં બરોડા ડેરીમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં સિનિયર આસિસટન્ટ તરીકે ફરજ બજાવતા યક્ષેસભાઇ ગોવિંદભાઇ શાહએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું બાજવાડામાં આવેલ શ્રીજી ભંજન ફ્લેટના બીજા માળે પરિવાર સાથે રહુ છું. જાે કે વર્ષ ૨૦૧૩માં માતા-પિતા તેમજ દાદી અવાર નવાર બીમાર પડતા હોવાથી તેમની સાથે બરોડા ડેરીમાં જ તેમના સાથી કર્મચારી અતુલ દામોદરદાસ બારોટ (રહે, મકરપુરા) પાસેથી ૧.૫૦ લાખ અને રોહિત ડાહ્યાભાઇ પટેલ (રહે, છાણી) પાસેથી પંચાસ હજાર રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતાં. જાે કે યક્ષેસભાઇ શાહે વધુ નાણાં જરૂરીયાત ઉભી થતા અતુલ બારોટ પાસેથી ૧૧.૫૦ લાખ અને રોહિત પટેલ પાસેથી ૯.૫૦ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતાં. ત્યારબાદ યક્ષેસભાઇએ ૨૦૨૨ના એપ્રિલ માસમાં અતુલ બારોટને ૨૫ લાખ અને રોહિત પટેલને ૨૦ લાખ રૂપિયા ચુકવી દીધા હતાં. જાેકે મુદ્દલ કરતા વધુ વ્યાજ ચુકવી દીધુ હોવા છતા પણ વ્યાજખોર અતુલ બારોટ અને રોહિત પટેલે યક્ષેસભાઇના એટીએમ કાર્ડ લઇ લીધુ હતુ અને તેમનો પગાર થાય ત્યારે બેંકમાંથી નાણાં ઉપાડી લીધા હતા. જાે કે વધુ નાણાંની રકમની માંગણી કરતા યક્ષેસેભાઇએ વ્યાજખોરને જણાવ્યું હતુ કે હાલ નાણાંની વ્યવસ્થા થાય તેમ નથી જેથી વ્યાજખોર કર્મચારીઓએ તેનું મકાન પણ લખાવી લીધુ હતું. વ્યાજખોર અતુલ બારોટ અને રોહિત પટેલ દ્વારા વારંવાર નાણાંની માંગણી કરતા ધમકીઓ આપતા હોવાથી કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ કરતા કંટાળી જતા યક્ષેસભાઇ શાહે મકરપુરા પોલીસમાં વ્યાજખોર સાથી કર્મચારીઓ વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધરે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.