વડોદરા, તા.૭

વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલ મકાન-મિલકતને મકાનમાલિક અને તેમના મળતિયાઓ દ્વારા એક જ મિલકતને બે વાર સોદો કરી કરોડો રૂપિયાની લોન મેળવી છેતરપિંડી કરનાર મકાનમાલિક, વેચાણ દલાલ અને બેન્ક મેનેજર વિરુદ્ધ મકાનનો સોદો કરનારે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે પોલીસસૂત્રો દ્વારા મળતી વિગત મુજબ શહેરના નિઝામપુરા વિસ્તારના મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ સામે આત્મરાજ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અમિતભાઈ ભંવરલાલ ગૌડ તેમના પરિવારજનો સાથે રહે છે. ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં બલવિન્દરસિંગ સંધુ સાથે મિત્રતા હોઈ તેઓ તેમના મિત્ર મુકુલકુમાર ઠાકોરભાઈ અમીન ગ્રીનકાર્ડ ધરાવતાં હોવાથી તેઓ અમેરિકા સ્થાયી થવા માટે જવાના હતા. તેમની માતા કમળાબેન અમીનની માલિકીનું ૩ મંગલદીપ મકાન જેતલપુર રોડ પર આવેલ છે. મુકુલભાઈએ અમિતભાઈ સાથે સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે, આ મકાન મારી માતા કમળાબેનના નામે છે, મારા નામે કુલમુખત્યાર કરી આપ્યું છે. હાલ માતા અમેરિકા ખાતે રહે છે. મકાન વેચવાનું હોવાથી અમિત ગૌડે મકાનનો રૂા. ર કરોડમાં સોદો કર્યો હતો અને વર્ષ ૨૦૧૫ જુલાઈમાં અકોટા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે મકાનનું રજિસ્ટર બાનાખત કરવામાં આવ્યું હતું. મકાનના સોદા પેટે રૂા.૬૦ લાખનો ચેક મુકુલભાઈ અમીનને આપ્યો હતો અને બે-ત્રણ વર્ષમાં અમેરિકા જવાનું હોવાથી તેઓ અમિતભાઈ પાસે અવારનવાર બાકી રકમના રૂપિયાની ઉઘરાણી કરતા હતા, જેથી ૧.૪૦ કરોડ રૂપિયા ચૂકવ્યા બાદ મુકુલભાઈ અમીન વેચાણ દસ્તાવેજ કર્યા વગર અમેરિકા જતા રહ્યા હતા. એટલું જ નહીં, તેઓ અમેરિકાથી પરત ઈન્ડિયા આવીને અમિતભાઈની જાણ બહાર પરત અમેરિકા જતા રહ્યા હતા.

દરમિયાન વર્ષ ૨૦૨૦ ડિસેમ્બરના રોજ સમાચાર પત્રમાં આ મકાનની જાહેર નોટિસ પ્રસિદ્ધ થઈ હતી જેમાં આ મકાનના વેચાણ અંગેની નોટિસ આપવામાં આવતાં અમિત ગૌડેને જાણ થતાં તેમને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત બહાર આવી હતી. જેમાં બલવિન્દરસિંગ સંધુ અને તેમના પત્ની સંદીપ કૌરના નામે વેચાણ હક્કો તબદીલ કરવામાં આવ્યા હતા અને તેઓએ હિતેશકુમાર વલ્લભદાસ શાહના મિત્ર પંકજકુમાર ઈન્દ્રવદન શેઠને મકાન વેચાણ આપવાનું નક્કી કરી રૂા.૧૧ કરોડમાં સોદો કર્યો હતો તેવી પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિસ મામલે અમિત ગૌડે હિતેશકુમાર શાહનો સંપર્ક કર્યો હતો, જેમાં તેમને મકાન વેચાણ બાનાખત અંગેની વાતચીત કરતાં તેમને આ મકાનનો સોદો થઈ ગયો હોવાનું સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં, એચડીએફસી બેન્કમાંથી આ મકાન ઉપર રૂપિયા અઢી કરોડ લોન પણ મેળવી લીધી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતાં અમિત ગૌડે ગોત્રી પોલીસ મથકે મુકુલ અમીન, બલવિન્દરસિંગ સંધુ અને એચડીએફસી બેન્ક મેનેજર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો હતો.