વડોદરા, તા.૮

શહેર સહિત આસપાસના ગામવિસ્તારમાં પણ પાણીજન્ય ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઈફોઈડ, તાવ, ઝાડા-ઊલટી જેવો રોગચાળો વકરતાં સંખ્યાબંધ દર્દીઓ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા છે. સયાજી હોસ્પિટલ, જમનાબાઈ, આઈડી બાદ ગોત્રી હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા અસુવિધા તેમજ સાધનોની અછત વર્તાઈ રહ્યાની ફરિયાદો ઊઠવા પામી છે. રોગચાળામાં સપડાયેલા અને સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને બેડની અછતને લઈને ફર્શ પર પથારીમાં સૂવડાવવામાં આવતા હોવાથી છૂપારોષની લાગણી જાેવા મળી છે. નિરંકુશ બનેલા રોગચાળાને લીધે નિર્દોષ લોકો ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઈફોઈડ, તાવ, ઝાડા-ઊલટી જેવા રોગચાળામાં સપડાઈ રહ્યા છે, જેના પરિણામે લોકો સારવાર માટે સરકારી અને ખાનગી, ટ્રસ્ટની હોસ્પિટલો તરફ દોડતા હોવાથી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાવવા લાગી છે. શહેરની સરકારી સયાજી હોસ્પિટલ, જમનાબાઈ, ચેપીરોગ સહિત ગોત્રીની જીએમઈઆરએસ હોસ્પિટલ પણ રોગચાળાના દર્દીઓથી ઊભરાતાં સારવાર માટે સાધન સુવિધાની અછત જાેવા મળી છે. દર્દીઓની સંખ્યા વધવાને લીધે વોર્ડમાં પલંગોની અછતને લઈને દર્દીઓને નીચે ફલોર પર પથારીમાં સૂવડાવવાની ફરજ પડી રહી છે. આ પરિસ્થિતિને લઈને ગોત્રી હોસ્પિટલમાં સાધનોની સુવિધાના અભાવની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. જાે કે, આ સ્થિતિમાં પણ હોસ્પિટલમાં સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.