અમદાવાદ/વડોદરા, તા.૧૦

સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે બંન્ને પક્ષોની આજે સમાધાન સંદર્ભે અમદાવાદ ખાતે પહેલી બેઠક યોજાઇ હતી. ગુજરાત હાઇકોર્ટમાં બંને પક્ષો તરફથી કરવામાં આવેલ નિવેદન મુજબ સમાધાન અંગેની પહેલી બેઠક બંને સાધુ એટલે કે, પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી ઉપરાંત તેમના એડવોકેટની હાજરીમાં યોજાઇ હતી. અંદાજે દોઢ કલાક ચાલેલી આ મીટિંગમાં હકારાત્મક વાતાવરણમાં યોજાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદનો મામલો દિવસેને દિવસે વણસી રહ્યો છે. ત્યારે બીજી તરફ બંને પક્ષ તરફથી સમાધાનની ફોર્મ્યુલા અંગે આજે પહેલી બેઠક ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજાઇ હતી. ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે પ્રબોધસ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી ઉપરાંત બંનેના વકીલ ચિત્રજીત ઉપાધ્યાય અને સુધીર નાણાવટીની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં મહત્વપૂર્ણ બાબત એ રહી કે બંને પક્ષે સમાધાન લઈને હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ બાબત એ રહી કે બંને પક્ષના મુખ્ય સાધુઓની હાજરીમાં સમાધાનની દિશામાં ચર્ચા માટે સહમતિ બની છે.આ બેઠકમાં પ્રબોધ સ્વામી તરફથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે, હરિપ્રસાદ સ્વામીની હયાતીમાં જે પરિસ્થિતિ હતી, એ પ્રકારનું વાતાવરણ પરત લાવવામાં આવે, ઉપરાંત અલગ-અલગ સંસ્થાઓમાં જે કમિટીઓની રચના કરવામાં આવી છે તે પણ રદ કરવામાં આવે. આ બેઠકમાં બન્ને સાધુઓ તરફથી સંસ્થામાં પ્રેમ વિશ્વાસનું વાતાવરણ કેળવાય તે માટે સાથે મળીને પ્રયાસ કરવાની તૈયારી દર્શાવાઈ છે.પહેલી બેઠક પૂર્ણ થયા બાદ હવે આગામી બેઠક ૧૨મી મેના રોજ યોજાશે. જેમાં હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે આ બીજી બેઠકમાં બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એમ.એસ શાહ હાજર રહેશે. જેઓ બંને પક્ષ વચ્ચે મિડીએટર તરીકેની ભૂમિકા ભજવશે.