મોડાસામાં સિવિલ હોસ્પિટલની માંગ સાથે કોંગ્રેસનું ૧૦ દિવસનું અલ્ટીમેટમ
27, જુન 2020

અરવલ્લી, તા.૨૬   

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ૧૫૦ બેડની સિવિલ હોસ્પિટલ માટે ૪૫ કરોડ રૂપિયા સરકારે મંજુર કર્યા હતા જેમાં ૫ કરોડ રૂપિયા ફાળવણી પણ કરી દેવામાં આવી છે બે વર્ષ અગાઉ જીલ્લા કલેક્ટરે બાજકોટ ગામની સીમમાં ૨૦ એકર જમીન ફાળવી સિવિલ સર્જનને કબ્જો સોંપી દોઢ વર્ષમાં સિવિલ હોસ્પિટલ કાર્યરત કરી દેવાના દાવા કરવામાં આવ્યા હતા જોકે બે વર્ષ વીતી જવા છતાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ અધ્ધરતાલ રહેતાં દર્દીઓની હાલત કફોડી બનતાં જીલ્લા કોંગ્રેસે થોડા દિવસ અગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સિવિલ હોસ્પિટલનું ઝડપથી નિર્માણ કરવામાં આવેની રજુઆત કરી હતી ત્યારે ફરીથી શુક્રવારે જીલ્લાના કોંગ્રેસના બે ધારાસભ્ય, જીલ્લા પ્રમુખે કલેક્ટરને મળી રજુઆત કરી હતી અને ૧૦ દિવસમાં સીવીલ હોસ્પિટલના નિર્માણ અંગે સંતોષકારક જવાબ નહિ મળે તો પ્રતીક ઉપવાસ કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી હતી.

અરવલ્લી જીલ્લાને સાબરકાંઠા જિલ્લામાંથી અલગ થયે ૭ વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ ટલ્લે ચઢતાં જીલ્લાના ૧૧ લાખ જેટલા પ્રજાજનો અને ગરીબી રેખા હેઠળ જીવતા અનેક પરિવારો સિવિલ હોસ્પિટલના અભાવે ઉત્તમ અને નિઃશુલ્ક સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. કોરોના સહીત દિનપ્રતિદિન અનેક ગંભીર રોગોનું સંક્રમણ વધી રહ્યું હોય ખર્ચાળ બનતી જતી મેડિકલ સુવિધા માટે લોકોને દરબદર ભટકવું પડે છે. મલ્ટીસ્પેશિયાલીટી કહેવાતી હોસ્પિટલો સામાન્ય બીમારીમાં પણ દર્દીઓના ખિસ્સા ખંખેરી લેતા હોવાના કિસ્સાઓ પણ સમયાંતરે ઉજાગર થાય છે. શ્રમજીવી અને ગરીબ પરિવારો દેવું કરી મોંઘી સારવાર લેવા મજબુર બનવું પડતું હોય છે ત્યારે દર્દીઓને ઘર આંગણે નિઃશુલ્ક કે તદ્દન નજીવા દરે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ અનિવાર્ય બની છે ત્યારે જીલ્લામાં ઝડપથી સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution