06, એપ્રીલ 2025
8316 |
ગાંધીનગર, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. ૮ અને ૯ એપ્રિલના રોજ ૬૩ વર્ષ બાદ ગુજરાતમાં પ્રથમ વખત યોજાનાર છે. જેમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાઢરા, સચિન પાયલોટ, પવન ખેરા સહિતના વરિષ્ઠ નેતાઓ, સીડબલ્યુસીના સભ્યો તેમજ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો, કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, રાજયોના પ્રદેશ પ્રમુખો સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે, જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, આજથી ૧૦૦ વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધીજી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. જ્યારે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ ૨૦૨૫ છે ત્યારે તારીખ ૮ અને ૯ એપ્રિલએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ યોજાશે. વર્ષ ૧૯૬૧ પછી એટલે કે ૬૪ વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન વર્ષ ૧૮૮૫માં મળ્યું હતું. વર્ષ ૧૯૩૮માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મૂળિયાં રોપવામાં આવ્યા હતા. ઐતિહાસિક હરીપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજ (સંપૂર્ણ સ્વતંત્રતા) નો ઠરાવ પાસ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તારીખ ૮ એપ્રિલે ૨૦૨૫ના રોજ અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર સાહેબના ઐતિહાસિક ‘સરદાર સ્મારક’ માં સવારે ૧૧:૩૦ કલાકે મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ ની બેઠક યોજાનાર છે. ગુજરાતમાં યોજાનાર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (સીડબલ્યુસી)માં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહેશે. ૮૬માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના વિશેષ આમંત્રિત સભ્યો પણ ભાગ લેશે. તા.૮ એપ્રિલના રોજ સાંજે ૫ કલાકે પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પ્રાર્થના સભામાં હાજર રહેશે. તારીખ ૮ એપ્રિલના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સહીત તમામ સભ્યો ઉપસ્થિત રહેશે. જ્યારે તારીખ ૯ એપ્રિલના રોજ ઐતિહાસિક સાબરમતી નદીના તટ પર કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી ૩૦૦૦થી વધુ ડેલિગેટ ઉપસ્થિતિ રહેશે. સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના પ્રથમ અને સૌથી લાંબા સમયના પ્રમુખ તરીકે રહ્યા હતા જેથી ગુજરાતમાં આયોજિત રાષ્ટ્રીય અધિવેશનનંષ વિશેષ મહત્વનું છે. ગુજરાત આખા દેશને શું આપશે તે અંગે લોકોમાં ઉત્સાહ છે. જે પ્રમાણે તૈયારી થઈ રહી છે તે ગુજરાત અને દેશને નવી દિશા આપશે. રાષ્ટ્રીય અધિવેશનની યજમાનીએ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે.
બે દિવસના કાર્યક્રમની રૂપરેખા
તા.૮.૦૪.૨૦૨૫: સવારે ૧૧:૦૦ કલાકે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક - સરદાર સ્મારક, શાહીબાગ
તા.૮.૦૪.૨૦૨૫: સાંજે ૫:૦૦ કલાકે પ્રાર્થના સભા- સાબરમતી આશ્રમ ખાતે
તા.૮.૦૪.૨૦૨૫ સાંજે ૭:૪૫ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ, સાબરમતીના તટે – રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર
તા.૯.૦૪.૨૦૨૫ સવારે ૯:૦૦ કલાકે રાષ્ટ્રીય અધિવેશન- સાબરમતીના તટે, અમદાવાદ
અગાઉ ગુજરાતમાં યોજાયેલ ઐતિહાસિક અધિવેશનો
વર્ષ અધિવેશન અધ્યક્ષ
૧૯૦૨ અમદાવાદ સુરેન્દ્રનાથ બેનર્જી
૧૯૦૭ સુરત રાસ બિહારી ઘોષ
૧૯૨૧ અમદાવાદ હકીમ અજમલ ખાન
૧૯૩૮ હરીપુરા સુરત નેતાજી સુભાષ ચંદ્ર બોઝ
૧૯૬૧ ભાવનગર નીલમસંજીવ રેડ્ડી
કોંગ્રેસમાં પેઢીગત પરિવર્તન આવી રહ્યું છે, યુવાઓ સારી રીતે પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે : સચિન પાયલોટ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે લડવાની ભાવના કે ઉત્સાહ ગુમાવ્યો નથી, પરિવર્તન ધીમે ધીમે થાય છે. કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલોટે અમદાવાદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઇસીસી) ના સત્ર પૂર્વે મીડિયા સાથેની મુલાકાતમાં આ બાબત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં પેઢીગત પરિવર્તન આવી રહ્યું છે અને યુવા નેતાઓ તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, આ પ્રક્રિયામાં જવાબદારીની સાથે વિચારધારાને મજબૂત બનાવવી એ મુખ્ય મંત્ર હશે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સચિન પાયલોટે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાઈ રહેલું એઆઇસીસીનું સત્ર મહત્વપૂર્ણ છે. કારણ કે, તે એવા સમયે થઈ રહ્યું છે જ્યારે સંબંધિત રાજ્યમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા અને ત્યાં તેનું જૂનું ગૌરવ પુન:સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સચિન પાયલોટે એમ પણ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પછી કોંગ્રેસ પક્ષ કેટલાક રાજ્યોમાં ચૂંટણી હારી ગઈ હોવા છતાં, તેણે લડવાની ભાવના કે ઉત્સાહ ગુમાવ્યો નથી. કોંગ્રેસ પક્ષમાં પેઢીગત પરિવર્તનનો સમય આવી ગયો છે કે કેમ? તે પૂછવામાં આવતા પૂર્વ કેન્દ્રિય મંત્રી સચિન પાયલોટે જણાવ્યું હતું કે, કોઈ પરિવર્તન રાતોરાત થતું નથી, ધીમે ધીમે થાય છે. તેમણે જણાવ્યું હતું કે, “પક્ષ પછાત વર્ગો, યુવાનો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતીઓની સ્થિતિ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ એવા વર્ગો છે જે આપણી વસ્તીનો સૌથી મોટો ભાગ બનાવે છે અને આ વર્ગોનું પૂરતું પ્રતિનિધિત્વ મહત્વપૂર્ણ છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી સચિન પાયલોટે જણાવ્યું હતું કે, “અમે પક્ષના પ્લેટફોર્મ પર ઉદયપુરના મેનિફેસ્ટોને સ્વીકાર્યો છે અને તેનું પાલન કરી રહ્યા છીએ. અમે પક્ષની બધી નિમણૂકોમાં તે મેનિફેસ્ટોને ધ્યાનમાં રાખી રહ્યા છીએ. (પેઢીગત) પરિવર્તન પોતાના દમ પર થઈ રહ્યું છે, ઘણા લોકો હવે નેતૃત્વની ભૂમિકાઓ લઈ રહ્યા છે, પછી ભલે તે સંસદની અંદર હોય કે સંસદની બહાર, રાજ્યોમાં હોય કે એઆઇસીસીમાં નવા વ્યક્તિઓની નિમણૂક હોય યુવાનો હવે નેતૃત્વની ભૂમિકાઓ લઈ રહ્યા છે.”