વડોદરા, તા.૨૨

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવાની રાજ્ય સરકારને ફરજ પડી છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષના રાજીનામાની માગ કરવામાં આવી હતી.

શહેર કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ફૂટતા લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા છે. યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપનાઓ રોળાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડવામાં આવે છે, પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં આવતો નથી, ભરતી કેલેન્ડર માત્ર ને માત્ર ચોપડા પર જ રહી જાય છે.

હેડ કલાર્કની પરીક્ષાનું પેપર રૂા.૩૦ લાખમાં વેચાયાનું બહાર આવ્યું છે અને ખાનગી પ્રેસના માણસ દ્વારા પણ રૂા.૯ લાખમાં પેપર વેચાયાનું બહાર આવ્યું છે, તેમ છતાં આ અંગે મુખ્યમંત્રી અથવા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા દ્વારા શિક્ષિત યુવાનો માટે કોઈ સંવેદના વ્યક્ત કરવાની તસ્દી લેવાઈ નથી કે કોઈ બાંહેધરી પણ આપવામાં આવી નથી જે ખૂબ જ દુઃખદ છે.

ગૌણ સેવા પસંદગી મંડળ ફક્ત ભ્રષ્ટાચારીઓ માટે જ કામ કરતું હોય તેવું લાગે છે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મળતિયાઓને પાછલા બારણે ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારે પહેલાં તો પરીક્ષામાં ૭૨ કલાક સુધી પેપર નથી ફૂટ્યાનું રટણ ચાલુ રાખ્યું હતું, ત્યાર બાદ દબાણ વધતાં પેપર ફૂટ્યાનું સ્વીકારવામાં આવ્યું હતું. પેપર ફૂટ્યાનું સ્વીકાર્યા બાદ નાની માછલીઓને પકડીને મોટા મગર-મચ્છને છોડી દેવામાં આવે છે. પેપર ફૂટવાના આ સમગ્ર કૌભાંડમાં દેખાડા પૂરતી જ કલમો ઉમેરવામાં આવી છે.

સરકારની આવી કામગીરીના લીધે સરકાર ઉપર શંકા ઊભી થાય છે. દર વખતે જ્યારે-જ્યારે પેપર ફૂટે છે ત્યારે ઔપચારિકતા પૂરતી ફરિયાદ દાખલ થાય છે. પરંતુ સમગ્ર ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કયારેય થયો નથી. ભૂતકાળમાં જેટલી વખત પેપર ફૂટવાની ઘટનાઓ બની છે તેમાંથી બોધપાઠ લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચ્યા હોત તો કૌભાંડકારીઓ ઉપર દાખલો બેસાડી શકાયો હોત પરંતુ તેવું ન થવાના લીધે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે.

સરકારના પોતાના પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાં ખાનગી પ્રેસમાં પરીક્ષાઓના પેપર છપાવવાનું શું કારણ છે તે સમજી શકાતું નથી, શું સરકારને પોતાના પ્રેસ પર વિશ્વાસ નથી? ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની પરીક્ષાના પેપર છાપવાની કામગીરી જે પ્રિન્ટિંગ પ્રેસને સોંપવામાં આવી છે તે પ્રેસની સામે અગાઉ પેપર ફૂટવાની ઘટનામાં સંડોવણી સામે આવેલ છે, તેમ છતાં મંડળના અધ્યક્ષ અસિત વોરા દ્વારા ભૂતકાળમાં પેપર ફૂટવાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા પ્રેસને કામગીરી સોંપવામાં આવી છે તે દર્શાવે છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષની ભૂમિકા શંકાસ્પદ છે.