લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
2178
છેલ્લી ચાર ટર્મથી વિપક્ષમાં રહેલી કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણીમાં વિજય મેળવવા માટે કમર કરી છે. જાેકે અમદાવાદ મનપા ચૂંટણીમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસ સામે બે સ્થિતિ જાેવા મળી છે. આ સ્થિતિ અજીબોગરીબ છે. જીતવાની શક્યતાવાળી બેઠકો પર દાવેદારોનો રાફડો છે. તો કાયમી હારવાળી બેઠકો પર એકલ-દોકલ દાવેદારો મળ્યા છે. પશ્ચિમ અમદાવાદના અનેક વોર્ડમાં કોંગ્રેસ પાસે વિકલ્પ જ નહીં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. કોંગ્રેસના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના એક વોર્ડની ચાર બેઠકો સામે ૫ થી ૭ જ દાવેદારો છે અને કોંગ્રેસની મજબૂરી છે કે દાવેદારોને જ ટિકિટ આપી દેવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના રાણીપ, નારણપુરા, નવરંગપુરા, ગોતા, ઘાટલોડિયા, બોડકદેવ, પાલડીમાં કોંગ્રેસ પાસે કોઇ વિકલ્પ જ નથી. આવી જ સ્થિતિ પૂર્વ વિસ્તારના ઓઢવ અને નિકોલમાં છે, જેમાં પણ એકલ દોકલ દાવેદારો સામે આવ્યા છે. બીજી તરફ લડાયક બેઠકો પર કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ગોમતીપુર, બહેરામપુરા, સરસપુર, ચાંદખેડા, જમાલપુર, બાપુનગર, ખોખરા, સરદારનગર, મકતમપુરા સહિતના વોર્ડમાં દાવેદારોની સંખ્યાએ કોંગ્રેસ નેતૃત્વને વિમાસણમાં મૂકી દીધું છે. અગાઉ જ્યાં કોંગ્રેસ જીત્યું છે, ત્યાં ચૂંટણી લડવા ધસારો જાેવા મળે છે. અને સતત હારવાળા વિસ્તારમાં યોગ્ય ઉમેદવાર શોધવા પડે એવી સ્થિતિ છે. અમદાવાદના વોર્ડ પ્રમાણે કોંગ્રેસમાં કેટલા દાવેદાર છે, તેની પર નજર કરીએ તો નિકોલમાં ૪, રાણીપ, નવરંગપુરા, વિરાટનગર, ઓઢવ, ગોતામાં ૫ દાવેદારો છે. પાલડી, નારણપુરા, બોડકદેવ, ઘાટલોડિયા, પાલડી વોર્ડમાં ૬ દાવેદારો દાવેદારી કરી છે. નવા વાડજ, ચાંદલોડિયા, વેજલપુર, જાેધપુર, શાહીબાગમાં ૭ થી ૮ દાવેદારો સામે આવ્યા છે. જ્યાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ નથી જીત્યું ત્યાં પ્રતિ બેઠક માત્ર એકલ-દોકલ દાવેદારો જાેવા મળ્યા અને જ્યાં કોંગ્રેસ અગાઉ જીત્યું છે ત્યાં એક બેઠક પર અનેકે દાવેદારો સામે આવ્યા. જેમકે ગોમતીપુરમાં ૪૦, સરસપુરમાં ૩૪, ચાંદખેડા, બહેરામપુરામાં ૩૨, સરદારનગર, મકતમપુરા અને જમાલપુરમાં ૩૦ દાવેદારો તો બાપુનગર, સૈજપુર-બોઘા, દરિયાપુર સહિતના બોર્ડમાં ૨૫ થી વધુ દાવેદારો ટીકીટ માટે લાઇનમાં છે. દાવેદારો અને ઉમેદવાર પસંદગી મુદ્દે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું કે, સાત ઝોનમાં પ્રદેશના નેતાઓ દ્વારા બે વાર સેન્સ લેવામાં આવી છે. ઘણી બેઠકો પર સિંગલ નામ નક્કી કરી સેવામાં આવ્યા છે. જ્યાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું છે, ત્યાં પણ ઉમેદવાર મળી આવ્યા છે. કોઇ ઉમેદવાર દબાણનો ભોગ ન બને તે માટે કોંગ્રેસ સાથે જાેડાયેલા લોકોને ટિકિટ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ સાથે નિષ્ઠાવાન રહેલા નેતાઓએ આઈડેન્ટીફાઇ કરી ઉમેદવાર નક્કી કરાયા છે. આજે પ્રદેશ ચૂંટણી સમિતિ સાથે બેઠક કર્યા બાદ રવિવારથી નામ જાહેર કરવામાં આવશે અલગ અલગ ત્રણ તબક્કામાં કોંગ્રેસ નામ જાહેર કરશે.