23, જુન 2025
1881 |
ગાંધીનગર કોંગ્રેસ માટે આજનો દિવસ ભારે અને કઠણાઈ ભર્યો રહ્યો છે એક તરફ આજે ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બીજી તરફ પેટા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું આપીને મોટો ધડાકો કર્યો છે. જ્યારે બીજી તરફ પ્રદેશ પ્રવક્તા તરીકે કાર્યરત અમિત નાયક ને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ગુજરાતમાં ગત તારીખ ૧૯ જૂનના રોજ રાજ્યની વિસાવદર અને કડી અનામત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે પરિણામ આવ્યું હતું જેમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને કડીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે, ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. રાજ્યની વિસાવદર અને કડી અનામત બેઠકના પરિણામ બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મેં થોડા દિવસ અગાઉ એઆઈસીસીને પ્રદેશ પ્રમુખ પદ પરથી મારું રાજીનામુ આપી દીધું છે. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે. હાલમાં કાર્યકારી પ્રમુખ તરીકે શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે. એટલું જ નહીં, શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પેટા ચૂંટણીમાં મળેલી હાર અંગે કોંગ્રેસ પક્ષ મનોમંથન કરશે. શક્તિસિંહ ગોહિલે આ સાથે જ રાજ્યમાં નવા અને બદલાયેલા જિલ્લા પ્રમુખો અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા જિલ્લા કક્ષાએ કાર્યકરોનો અવાજ શું છે? તે સાંભળી પ્રમુખ નક્કી કરવા કમિટી બનાવાઈ હતી. એઆઈસીસી દ્વારા આ કમિટીના અહેવાલને મંજૂરી આપી હતી. રાષ્ટ્રીય કોંગ્રેસના આ સંગઠન સજ્જ અભિયાનમાં ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ પર લીધું હતું. જેના અંતર્ગત ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસના ૪૦ પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પક્ષ કે પરિવારમાં લીધેલા ર્નિણય બધાને મંજૂર ન હોય પણ. પરંતુ આ ર્નિણયથી કોંગ્રેસ પક્ષને નવું બળ અને જાેમ મળ્યું છે. સંગઠન સર્જનની કમિટીમાં દર ૩ મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીનું નિરીક્ષણ થશે તે જ રીતે કાર્યકરોને સાંભળવામાં આવશે. જે પ્રમુખ બદલાયા તેઓનો આભાર માનું છું. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હારના કારણમાં નહિ પડું પણ મારી જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યું છે. મારી કોઈ નબળાઈ રહી હોય શકે તેનો સ્વીકાર કરી મેં રાજીનામુ આપ્યું છે. હરિયાણાની ચૂંટણી વખતથી જે માહોલ થયો તેની આ અસર છે. રાજકારણમાં કોઈ બાબત નક્કી ન હોય. શક્તિસિંહને અનુકૂળ પ્રમુખ ન આવ્યા તે બાબત પર નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીને ગમે તે મને ગમે. મારા જિલ્લામાં જે નામો આવ્યા તે વ્યાજબી નામ છે. કોંગ્રેસમાં દરેક મક્કમતાથી ઉમેદવાર અને કાર્યકર લડ્યા છે. પરિણામ નથી આવી શકયું તેનો સ્વીકાર કર્યો છે. મેં થોડા દિવસ પહેલા એઆઈસીસીને મેં રાજીનામુ આપી દીધું હતું. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે. હાલ શૈલેષ પરમાર ચાર્જ સંભાળશે. આજથી ૩૦ વર્ષ પહેલાં એવું થયું ત્યારે પણ મેં મંત્રી તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હાલ મારી પ્રમુખ તરીકે ને તમામ વસ્તુ સોંપી રહ્યો છું. પાર્ટીના તમામ ઉચ્ચ નેતાનો અને જનતાનો આભાર છે.
પ્રદેશ પ્રવક્તા અમિત નાયકને ૬ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા
ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કારમી હારને લઈ હજી શક્તિસિંહ ગોહિલે રાજીનામાંની જાહેરાત કરી અને આ તરફ કોંગ્રેસના પ્રવક્તાને પક્ષ વિરોધી પ્રવૃતિને લઈ રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચના બાદ સસ્પેન્ડ કરાયા છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ પ્રદેશ પ્રવક્તા અમિત નાયકને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. અમિત નાયકે તાજેતરમાં સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પક્ષની આતંરિક બાબતો અંગે નકારાત્મક પોસ્ટ કરી હતી. આ બાબતની કોગ્રેસના મોવડીમંડળે નોંધ લીધી હતી. અને અમિત નાયક દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાના પુરાવા રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપાયા હતા. જેના કારણે હવે રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચનાથી અમિત નાયકને ૬ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.