વડોદરા તા,૧૯

પક્ષના ચિહ્ન હેઠળ એકઠા થઈ સામુહિક રીતે અન્ય રાજકીય પક્ષો સામે મોરચો માંડી તેમને ધુળ ચાટતા કરી દેવાને બદલે દેશના સૌથી જુના રાજકીય પક્ષની વડોદરા શાખામાં આંતરીક જુથબંધી ટાંટીયાખેંચ અને પક્ષના જ અન્યો સામે શક્તિ પ્રદર્શન જેવા ચાલતા કાવાદાવાએ હાલ વડોદરામાં ચર્ચા જગાડી છે. આજે વડોદરા કોંગ્રેસના પીઢ અગ્રણી નેતા અને વર્તમાન મ્યુ. કાઉન્સીલર ચંદ્રકાત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુભાઈના ચિરંજીવી વિશાલ શ્રીવાસ્તવે કુખ્યાત વિલન આશિષ વિદ્યાર્થીની એક તસવીર શેર કરી તેની સાથે લખ્યુ કે ‘એક, ચિત્રપટ વાસ્તવકા વિઠ્ઠલ કાનીયા... ઔર દુસરા વડોદરા કા વિઠ્ઠલ કાનીયા... બોલો કોન?

ગઈકાલે સોમવાર તા. ૧૮મીના રોજ સમા-સાવલી રોડ ખાતે ‘મારો મિત્ર’ નામના એક બિન રાજકીય સામાજીક સંગઠનના ઉદ્દઘાટનના નામે ભુ.પુ. શહેર કાંેગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને અન્ય અનેક કોંગ્રેસી નેતાઓએ એક ભવ્ય કાર્યક્રમ યોજયો હતો. અને તે દ્વારા ‘શક્તિ પ્રદર્શન’ કરી વર્તમાન શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાલિકાના વિપક્ષી નેતાને પોતાની તાકાતનો પરચો આપ્યો હોવાનું કહેવાય છે. તેમનો આ હેતુ કેટલો સ્પષ્ટ છે એ એના પરથી ફલિત થયુ હતુ કે કોંગ્રેસીઓ દ્વારા યોજાયેલા મનાતા આ વિશાળ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીક જાેશી અને પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતને આમંત્રણ જ અપાયુ ન હતું.! રાવત દંપતિ પૈકીના કોંગી અગ્રણી નરેન્દ્ર રાવતને ‘ગાળો ભાંડવા’ સ્વરૂપે આ પોસ્ટ ભુ.પુ. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના ચિરંજીવી વિશાલ શ્રીવાસ્તવે મુકી હોવાની ચર્ચા આજે સમગ્ર દિવસ દરમ્યાન રાજકીય ક્ષેત્રે થઈ હતી. આ પોસ્ટમાં ‘કાણીયા’ શબ્દ ધરાવતાં વાક્ય સાથે એક વિલનના ફોટાને સાંકળીને કેમ કહેવાયુ છે તેનો ગર્ભિત અર્થ તમામ કોંગ્રેસીઓ બહુ સારી પેઠે સમજી ગયા છે. અલબત્ત આ પોસ્ટ અને તેના પગલે થયેલા ભારે વિવાદ અંગે ઠેઠ રાજયકક્ષાના નેતાઓને મારા મિત્રના નામે દુશ્મની કરી રહેલાઓની મેલીમુરાદો અંગે ગંભીર ફરિયાદો કરવામાં આવી હોવાનું આધારભુત સાધનાએ જણાવ્યુ છે.