લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
1980
રાજ્યમાં આજથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૫ ની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ પરીક્ષાના પહેલા જ દિવસે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી સૌરભ સ્કૂલમાં મોટો વિવાદ સર્જાયો છે. વાલીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે છેલ્લા સેમેસ્ટરની ફી બાકી હોવાના બહાને ૨૦ કરતા વધુ નાના વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડની બહાર ઊભા રાખી દેવામાં આવ્યા હતા અને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહોતા. પરીક્ષા આપવા આવેલા નાના ભૂલકાઓને અટકાવવા મુદ્દે વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. વાલીઓએ એવો પણ દાવો કર્યો છે કે, જે વિદ્યાર્થીઓની ફી બાકી હતી તેમને ત્યારે જ ક્લાસમાં જવા દેવાયા જ્યારે તેમના માતા-પિતાએ શાળાએ રૂબરૂ આવીને લેખિતમાં કે મૌખિકમાં બાહેંધરી (ખાતરી) આપી કે તેઓ બાકીની ફી ક્યારે ભરશે. એક વાલીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “સવારે ૭:૩૦ વાગ્યે મારી દીકરીનો ફોન આવ્યો અને તેણે રડતાં રડતાં કહ્યું કે મને પરીક્ષા આપવાની ના પાડવામાં આવી છે. સ્કૂલવાળા કહે છે કે અત્યારે ફી ભરશો તો જ પરીક્ષા આપવા મળશે. અમારી માત્ર છેલ્લા સેમેસ્ટરની ૬,૦૦૦ રૂપિયા ફી બાકી છે, બાકી આખા વર્ષની ફી અમે ભરી દીધી છે. માત્ર મારી દીકરી જ નહિ, જેની પણ ફી બાકી હતી તે તમામને સવારે ૮:૩૦ વાગ્યા સુધી ક્લાસની બહાર જ ઉભા રખાયા હતા.” વાલીએ વધુમાં ઉમેર્યું કે, “મેં ફોન પર સર સાથે વાત કરી તો તેમણે સાફ કહી દીધું કે તમારે ફી ભરવી જ પડશે. મેં કહ્યું કે હું ૨૪ કલાકમાં ફી ભરી દઈશ, તમે મારી દીકરીને પરીક્ષા આપવા દો. જ્યારે મેં રૂબરૂ આવીને ફી ભરવાની ખાતરી આપી, ત્યારે જ મારી દીકરીને અંદર જવા દીધી. જેમના વાલીઓ આવીને બાહેંધરી આપતા હતા, માત્ર તેમને જ અંદર જવા દેવાતા હતા.” બીજી તરફ, આ સમગ્ર વિવાદ મુદ્દે સૌરભ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તુલિકા શાહે પોતાનો લૂલો બચાવ કરતા વાલીઓના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આજથી પરીક્ષા શરૂ થઈ છે અને તમામ વિદ્યાર્થીઓ અત્યારે શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે. અમે માત્ર એ જ વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કર્યો હતો જેમની ફી બાકી છે. એવું બિલકુલ નથી કે ફી બાકી હોય તો અમે પરીક્ષા ન આપવા દઈએ. કોઈપણ વિદ્યાર્થીને અમે બહાર ઉભા રાખ્યા નહોતા. કદાચ વાલીઓને સમજવામાં કોઈ ભૂલ થઈ હશે.” જાેકે, વાલીઓનો આક્રોશ અને વિદ્યાર્થીઓની સવારની મુશ્કેલીઓ સ્પષ્ટ દર્શાવે છે કે ફી મામલે શાળાઓ દ્વારા અપનાવવામાં આવતી આવી કડક નીતિઓ નાના બાળકોના માનસ પર ગંભીર અસર કરી શકે છે.