સૌથી લાંબા બ્રિજનો શ્રેય પૂર્વ મેયર અને પૂર્વ કમિ.ને આપતાં હોર્ડિંગ્સથી વિવાદ
28, ડિસેમ્બર 2022

વડોદરા, તા.૨૭

વડોદરા શહેરના સૌથી લાંબા ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધીના સૌથી લાંબા અટલ બ્રિજનો શ્રેય આપવા ભાજપના કાર્યકર્તાઓમાં ફરી એક વાર જુથબંધી જાેવા મળી રહી છે. વર્તમાન મેયરે તેનું ઉદ્‌ઘાટન મુખ્યમંત્રીની હાજરીમાં કર્યું હતું પરંતુ કેટલાક કાર્યકર્તાઓએ આનો શ્રેય પૂર્વ મેયર અને તત્કાલીન મ્યુનિસીપલ કમિશનરને આપતા હોર્ડિંગ્સ લગાવતા ભાજપની લોબીમાં ચર્ચાઓ શરૂ થઈ છે. તો બીજી તરફ અગાઉ વિવાદાસ્પદ રહેલા કાર્યકરે વઘુ એક વિવાદ છંછેડ્યાની ચર્ચા પણ ભાજપ મોરચે થઈ રહી છે.

રાજ્યના શહેરી વિસ્તારના સૌથી લાંબા ફલાય ઓવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે રવિવારના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભાજપ શાસનમાં બનેલા આ બ્રિજનો શ્રેય લેવા હવે નેતાઓના ઇશારે કાર્યકર્તાઓમાં શુભેચ્છા આપવાની હોડ લાગી છે! સ્વભાવગત રીતે વિવાદાસ્પદ રહેલા ભાજપના કાર્યકરે બ્રિજનો શ્રેય આપતા હોર્ડીંગ્સ લગાડીને વઘુ એક વિવાદા છંછેડ્યો છે. અટલ બ્રિજ માટે પૂર્વ મેયર ભરત ડાંગર અને તાત્કાલિક મ્યુનિસિપલ કમિશ્નર ડોક્ટર વિનોદ રાવને તેના પ્રણેતા ગણાવ્યા છે અને આ સાથે ભાજપ સરકારનો આભાર માનતા હોર્ડિંગ્સ લગાવ્યા છે. તેમાં સાંસદ, મેયર તથા કેટલાક ધારાસભ્યોની તસવીરની બાદબાકી કરવામાં આવી છે. આ સાથે જ ભાજપમાં બ્રિજના ઉદ્‌ઘાટનને લઈને જૂથબંદી ફરી પ્રકાશમાં આવતા ફરી વિવાદ શરૂ થયો છે. જાેકે, ભાજપા વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ઇરાદાપૂર્વક હોર્ડિંગ્સમાં વર્તમાન મેયર તથા અન્ય અગ્રણીઓની તસવીર નહી મુકીને પક્ષમાં ચાલતી જૂથબંધી વધુ એક વાર છતી થઈ હોવાની ચર્ચા છે. જાેકે, આ હોર્ડીગ્સ ની તસવીર રાજકિય વર્તુળોના સોશિયલ મિડિયાના વિવિઘ ગૃપમાં વાઈરલ થતા ભાજપાના કેટલાક જૂથના કાર્યકર્તાઓમાં નારાજગી જાેવા મળી રહી છે. આમ વિઘાનસભાની ચૂંટણી પૂર્વે ટીકીટ મેળવવા માટે ચાલેલી ખેંચતાણ બાદ હવે તમામ બેઠકો પર ભાજપની જીત છતા હવે ફરી ભાજપમાં જૂથબંઘી સામે આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution