દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો આતંક વર્તાઈ રહ્યો છે. દરરોજ નોંધાઈ રહેલા સંક્રમણના નવા કેસની સાથે જ સેંકડો લોકો કોરોનાના કારણે દમ તોડી રહ્યા છે. આ કારણે એવી સ્થિતિ નિર્માણ પામી છે કે, સ્મશાન ઘાટો પર મૃતદેહોને અગ્નિદાહ આપવા લાંબી લાઈનો લાગી રહી છે.

દિલ્હીના સરાય કાલે ખાં ખાતે એવી સ્થિતિ સર્જાઈ છે કે, આત્મા છોડી ચુકેલા શરીરોની અંતિમ વિધિ માટે પાર્કમાં અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવી પડી રહી છે. દિલ્હીમાં દરરોજ એટલી મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે કે, સરાય કાલે ખાં ખાતેના સ્મશાન ઘાટ પર સમયસર અંતિમ સંસ્કાર નથી થઈ શકતા. આ કારણે ત્યાંના હર્યા ભર્યા પાર્કમાં જ્યાં લોકો ફરવા માટે અને હવા ખાવા આવતા હતા ત્યાં લોકોની ચિતાને અગ્નિદાહ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાર્કમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે નવા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ પાર્કમાં ૨૦ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે અને પાર્કના બીજા હિસ્સામાં ૫૦ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મૃતદેહોની અંતિમ વિધિ માટે જગ્યા ઓછી પડવાની સાથે લાકડાની પણ ભારે તંગી વર્તાઈ રહી છે.