અંબાજી-

પોષી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્યોત્સવ કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ધામધૂમથી નહીં ઉજવાય તેવા સમાચાર અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ આપ્યા છે. જેના કારણે સેંકડો શ્રદ્ધાળુઓમાં નિરાશાની લાગણી વ્યાપી છે. જાેકે પૂનમે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે. પ્રતિ વર્ષે પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યોત્સવને લઇ અંબાજીમાં એક માસ પૂર્વે તૈયારીઓ આરંભાતી હતી. સેંકડો શ્રદ્ધાળુઓ માના પ્રાગટ્યોત્સવમાં ભાગ લેવા અને દર્શન કરી ધન્યતા અનુભવવાના જાણે કોડ જાગતા હતા. પોષી પૂનમને હવે માત્ર અગિયાર દિવસ બાકી રહ્યા છે ત્યારે ધામમાં નિરસ વાતાવરણનો ઓછાયો જાેવા મળી રહ્યો છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે માતાજીનો પ્રાગટ્યોત્સવ ભીડ એકઠી થવાને કારણે સાદગીથી ઉજવાશે. પૂનમે માતાજીના ચોકમાં વર્ષોથી થતાં મહાશક્તિ યજ્ઞમાં માત્ર 25 થી 30 યજમાનોની પૂજા વિધિ અને તે પણ કોરોનાની ગાઈડ લાઈન મુજબ સંપન્ન કરવામાં આવશે. જયારે માતાજીની શોભાયાત્રા, નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, સુખડી વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ મોકૂફ રખાયા છે. જાેકે પૂનમે માઈભક્તો માતાજીના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડ લાઈન મુજબ મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે.