કોરોના મહામારી 'ગવર્મેન્ટ મેડ ડિઝાસ્ટર' છે: અમિત ચાવડા

આણંદ-

રાજ્યમાં કોરોના પરિસ્થિતિ દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. એવામાં આણંદ જિલ્લામાં સારવાર લેતા કોરોના દર્દીઓની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુલાકાત કરી કલેક્ટર અને સિવિલ સર્જન સાથે બેઠક યોજીને મહામારીની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. 

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. સરકારની અનાવડતના કારણે લોકો મરી રહ્યા છે. આણંદ જિલ્લાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન જેટલા લોકોના મોત થયા છે, તેટલા ફક્ત એક માસમાં થયા છે. રાજ્યમાં 25 વર્ષથી ભાજપ સત્તા પર છે. સવા વર્ષથી WHOની ગાઈડલાઈન હોવા છતાં ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં લોકોને હોસ્પિટલમાં બેડ, ઇન્જેક્શનો, વેન્ટિલેટર અને ઓક્સિજન નથી મળી રહ્યા. સેંકડો લોકો મરી રહ્યા છે. જે સ્પષ્ટ કરી રહ્યું છે કે, એક વર્ષનો સમય મળ્યો હોવા છતાં સરકાર ઉત્સવો, જાહેરાતો કરવામાં અને ચૂંટણીઓ યોજવામાં વ્યસ્ત રહી હતી. જે લોકોને પ્રજાએ ખૂબ વિશ્વાસથી સત્તા સોંપી હતી, તેમણે મહામારીના સમયે પ્રજાની સેવા કરવાના બદલે તેમને ખાનગી દવાખાનાઓમાં સારવાર લેવા મજબૂર કર્યા છે.  બીજી તરફ સરકાર સબ સલામત હોવાનો દાવો કરી રહી છે. લોકો પોતાના સ્વજનોની આંખો સામે મરી રહ્યા છે. જેની સાથે અમિત ચાવડાએ સરકારને વિનંતી કરી હતી કે, સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવે. બધા જ નિષ્ણાતો અને સેવાભાવી સંસ્થાઓ સરકારની સાથે છે. અમે બધા મહામારીના આ સમયમાં જે કાંઈ પણ કરવાનું થાય તે કરવા તૈયાર છીએ, સરકાર અહંકાર છોડીને માત્ર કામ કરવા પર ધ્યાન આપે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution