રાજકોટ,

ગુજરાતમાં આંકડો 675 કેસ અને 21 મોતનો નોંધવામાં આવ્યા. તમામ કસરતો અને કવાયતો પછી પણ કોરોનાનું વધતું સંક્રમણ સરકાર અને તંત્ર માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યુંં છે. લોકો પણ જાણે કોરોના રહ્યો જ ન હોય તેવી બેજવાબદારી સાથે વર્તી રહ્યા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. તમામ સંજોગો સાથે કોરોનાએ પોતાનો વિસ્તાર અને વસ્તારનો ફેલાવો ગુજરાતનાં ગામે ગામમાં કરી દીધો હોવાનું આંકડા કહી રહ્યા છે, ત્યાં ફરી રાતથી સવારનાં સમય સુધીમાં સૌરાષ્ટ્રમાં અધધધ કેસ સામે આવતા તંત્ર અવાક બન્યુ છે. 

જામનગર પણ કોરોનાનો હાહાકાર યથાવત જોવામાં આવ્યો છે. જીલ્લામાંથી મોડીરાત્રે કોરોનાના 7 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. શહેરમાં 4 પુરુષ અને 2 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે. લાલપુર નવી વેરાડમાં એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાનાં કુલ 17 કેસ નોંધવામાં આવ્યા હોવાની વાતથી લોકોમાં ભય સાથે ચિંતા જોવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લામાં મોડી રાત્રે વધુ એક કોરોના કેસ નોંધવામાં આવ્યો છે. કોબડી ગામે 58 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. મહિલા અને તેના પતિ સુરતથી આવ્યા હોવાની માહિતી છે, ત્યારે અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 272 કેસ નોંધવામાં આવી ચૂક્યા છે.