આણંદ : રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય પછી ચરોતરમાં આવેલી સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સેનિટાઇઝ સહિતની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે નવાં શૈક્ષણિક સત્રમાં છેલ્લાં સાત મહિનાથી બંધ થયેલી શાળાઓ હવે પુન: સોમવારથી શરૂ થઈ રહી છે.  

કોરોના સંક્રમણને પગલે નવાં શૈક્ષણિક સત્રમાં એકપણ દિવસ શાળાઓ શરૂ થઈ શકી નહોતી. સામાન્ય રીતે નવું શૈક્ષણિક સત્ર જૂન માસથી શરૂ થતું હોય છે, પરંતુ કોરોનાને પગલે શાળાઓ આજ સુધી બંધ હતી. જોકે, હવે સરકાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગોને ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે ચરોતરમાં આવેલી શાળાઓ 11 જાન્યુઆરીથી પુન: શરૂ કરવામાં આવશે.

આણંદ જિલ્લામાં કુલ 319 શાળાઓ આવેલી છે, જેમાં ધોરણ 10માં 30 હજાર વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં મળી કુલ 18 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સરકારના નિર્ણય બાદ આણંદ જિલ્લામાં આવેલી તમામ શાળાઓ દ્વારા સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ગખંડો તથા શા‌ળાના પેસેજમાં સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. શાળાઓ દ્વારા સોમવારથી આવનારાં વિદ્યાર્થીઓનું ફરજિયાત ઓક્સિમીટરથી ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવશે. તેમજ ફરજિયાતપણે માસ્ક પહેરીને જ આવવા માટે વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, કુલ 42 હજાર વિદ્યાર્થીઓમાંથી 9054 વિદ્યાર્થીઓનાં વાલીઓએ સંમતિ આપી દીધી છે. હજુ પણ સંમતિ લેવાનું કામ ચાલું છે. હાલમાં આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરી દેવાયો છે, જેમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને જ સ્કૂલમાં આવવાનું રહેશે. આ ઉપરાંત ચહેરા પરથી વિદ્યાર્થી માસ્ક ઊતારે નહીં તે માટે શૈક્ષણિક કર્મચારીઓ વચ્ચે જવાબદારી નક્કી કરવાના પણ આદેશ કરાયાં છે. શાળાના વર્ગખંડમાં 20થી વધુ વિદ્યાર્થીઓ બેસે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. આણંદ જિલ્લામાં ધો.10 અને ધો.12ના 48 હજાર વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધીમાં 9054 વિદ્યાર્થીઓના વાલીઓએ સમંતિ આપી દીધી છે. બાકીના વાલીઓ આગામી દિવસોમાં સંમતિપત્રક આપશે. શાળાનો સમય સવારનો કે બપોરનો નક્કી કરવા જણાવ્યું છે. તેમજ સ્કૂલોમાં તમામ તૈયારીઓ કરવા માટેની સૂચના શાળા સંચાલકોને

આપવામાં આવી છે.

શૈક્ષણિક વિભાગના સૂત્રોનું કહેવું છે કે, જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલાં નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને શાળાએ આવવા દબાણ કરી શકશે નહીં. સ્વેચ્છાએ જે શાળામાં આવવા તૈયાર હોય તેમને જ બોલાવી શકાશે. જોકે, પ્રથમ દિવસે શાળા શરૂ કરવા માટે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તે માટે કાર્યક્રમો આયોજિત કરવા જણાવ્યું છે.