કોરોનાથી જલ્દી છૂટકારો નહિ મળે,દાયકાઓ સુધી રહેશે પ્રભાવ
01, ઓગ્સ્ટ 2020 693   |  

દિલ્હી-

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી એક વખત કોરોના વાયરસથી જલ્દી છૂટકારો નહીં મળે તે સ્પષ્ટ કર્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું કે આવી મહામારીઓ સદીઓમાં એક વખત આવે છે અને તેનો પ્રભાવ આગામી દશકાઓ સુધી અનુભવાશે.

ઈમરજન્સી કમિટીની બેઠકમાં સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે જણાવ્યું કે, 'અનેક દેશ જે એવું માનતા હતા કે તેમણે કોરોનાને પાછળ છોડી દીધો છે તેઓ હવે નવા કેસ સામે ઝઝુમી રહ્યા છે. કેટલાક એવા દેશો જે શરૂઆતમાં વાયરસથી ઓછા પ્રભાવિત થયા હતા ત્યાં હવે ચિંતાજનક સ્થિતિ છે.' તેમણે આગળ જણાવ્યું કે, વેક્સિન માટે ઝડપથી કામ ચાલી રહ્યુ છે પરંતુ હવે આપણે વાયરસ સાથે જીવતા શીખવું પડશે અને આપણા પાસે જેટલું પણ છે તેના વડે તેનો સામનો કરવો પડશે. ટેડ્રોસે જણાવ્યું કે, 'અનેક વૈજ્ઞાનિક પ્રશ્નોને ઉકેલી દેવામાં આવ્યા છે અને અનેકના જવાબ અપાઈ રહ્યા છે. સીરોલોજી અધ્યયનના પ્રાથમિક પરિણામો એક સુસંગત તસવીર રજૂ કરી રહ્યા છે. દુનિયાના મોટા ભાગના લોકો આ વાયરસ પ્રત્યે સંવેદનશીલ છે. 

આ પ્રકારની મહામારી સદીઓમાં એક વખત આવે છે અને તેનો પ્રભાવ આપણને આગામી દશકાઓ સુધી અનુભવાશે.' કોરોના વાયરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી કે પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન ઘોષિત કર્યા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આ ચોથી બેઠક હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution