વડોદરા, તા.૧૩

વડોદરા શહેર-જિલ્લામાં બેકાબૂ બની રહેલા કોરોનામાં કરજણના ભાજપાના ધારાસભ્ય અને તેમના પત્ની, પુત્ર અને પુત્રવધૂ કોરોના સંક્રમિત સહિત આજે રેકોર્ડ બ્રેક નવા ૧૦૪૭ કેસ નોંધાયા છે. ગઈકાલે ૮૬૨ કેસ પોઝિટિવ આવ્યા હતા. માત્ર છ-સાત દિવસના ટૂંકાગાળામાં જ કોરોનાના દર્દીઓનો આંક ૧૦૦૦ને પાર થયો હતો. આ સાથે અત્યાર સુધીનો કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક ૭૭,૩૮૪ પર પહોંચ્યો છે, જે એક લાખ નજીક પહોંચવાની તૈયારીમાં છે. તેની સામે ૨૨૧ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી કુલ ૭૩,૨૨૪ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધી ૬૨૩ દર્દીઓના મોત થયાં છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે જાહેર કરવામાં આવેલા નવા ૧૦૪૭ કોરોનાના કેસ નોંધાયા છે. કુલ ૩૫૩૭ કેસ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ૩૩૬૬ દર્દીઓને હોમ આઈસોલેશન અને ૩૪૨૬ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં ૧૭૦ જેટલા કોરોનાના દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ૬૯ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૨ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.

કોરોનાની ત્રીજી લહેરમાં શહેરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા બાદ હવે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. એટલું જ નહીં, તેમના પત્ની, પુત્ર અને પુત્રવધૂ પણ કોરોના સંક્રમિત થયા છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અલબત્ત, કોરોનાની લહેરમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, તબીબો, રાજકીય નેતાઓ, અભિનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સદ્‌નસીબે કોરોનાની પ્રથમ અને બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરની ઘાતક ખૂબ જ ઓછી હોવાથી મૃત્યુઆંક નહિવત્‌ છે.

પાલિકાની આરોગ્ય વિભાગની ટીમોએ આજે દિવસ દરમિયાન શહેરના જેતલપુર, બાજવા, વારસિયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુના મિલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, બાપોદ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં કોરોનાલક્ષી કામગીરીનો સર્વે કરાયો હતો. જેમાં ૧૧૦૦૯ જેટલા સેમ્પલોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આજે ૧૦૪૭ નવા કેસ સામે આવ્યા છે. શહેરના ચારેય ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં ૨૫૩, દક્ષિણ ઝોનમાં ૨૩૬, પૂર્વ ઝોનમાં ૨૩૦, ઉત્તર ઝોનમાં ૨૩૧ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૯૭ કેસ મળી આવ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન અને એસ.ટી. ડેપો મળીને રોજના પ૦ હજાર ઉપરાંત મુસાફરો અવરજવર કરે છે. કોરોનાની બીજી લહેરમાં રેલવે સ્ટેશન પરિસરની બહાર પાર્કિંગ એરિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાતું હતું. પરંતુ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવા સાથે કોરોનાના નવા વેરિઅન્ટ એવા ઓમિક્રોનની લહેર હોવા છતાં રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો ખાતે કોઈપણ પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. એસ.ટી. ડેપોમાં તો રોજની ૧૨૦૦ કરતાં વધુ એસ.ટી. બસો અવરજવર કરે છે.

સિટી પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

કોરોનાની ત્રીજી લહેરમાં આજે શહેર પોલીસતંત્રના એક પીઆઈ સહિત અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા હતા. આજે સયાજી હોસ્પિટલમાં ૧૨ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ દાખલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતંુ. આજે દિવસ દરમિયાન કોવિડ ઓપીડીમાં ૧૪૦ જેટલા શંકાસ્પદ દર્દીઓનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ૪૩ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.