દિલ્હી-

દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ છે. આ બીજી લહેરમાં દેશની યુવા પેઢી સૌથી વધુ કોરોના સંક્રમિત થઈ રહી છે. આ પૂર્વે પહેલી લહેર દરમ્યાન કોરોનાએ વડીલોને સંક્રમણની ચપેટમાં લીધા હતા. હવે કોરોનાની ત્રીજી લહેર પણ આવવાની છે અને એમાં 18 વર્ષથી નાની વયનાં બાળકો વાઇરસના પ્રકોપથી સૌથી વધુ સંક્રમિત થવાની શક્યતા છે.

મિડિયાના અહેવાલો મુજબ કોરોના વાઇરસની ત્રીજી લહેરનો પ્રારંભ મહરાષ્ટ્રથી થશે. જોકે એ માટે નિષ્ણાતો એકમત નથી કે આ લહેર ક્યારથી શરૂ થશે. એવી શક્યતા છે કે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે કોરાનાની ત્રીજી લહેરનો પ્રારંભ થશે.ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહારાષ્ટ્રમાં સરકારી સ્તરે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. BMC શિશુ કોવિડ કેર સુવિધા સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. જેથી ત્રીજી લહેર દરમ્યાન સંક્રમિત બાળકોને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. આ સિવાય BMC દ્વારા એ બાળકો માટે નેટવર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમનાં માતાપિતા કોરોનાની સારવાર માટે શહેરના વિવિધ કોવિડ કેર સેન્ટરમાં દાખલ છે. દેશમાં સંશોધનકર્તાઓને કોરોના વાઇરસના જે નવા વેરિયેન્ટ મળ્યા છે, એ પહેલી અને બીજી લહેરવાળા વેરિયેન્ટથી આશરે 1000 ગણ વધુ ખતરનાક છે અને એ બાળકોમાં ઝડપથી સંક્રમણ ફેલાવે છે. દેશના વૈજ્ઞાનિકોએ કેન્દ્રને ત્રીજી લહેર વિશે પહેલાં જ સચેત કરી છે.