વડોદરા-

ગુજરાતમાં ગાંધીના દારૂબંધી હોવા છતા દારૂનો વેપલો કરતા બુટલેગરો દ્વારા કોવિડ સ્પેશ્યલ ટ્રેનમાં દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા કોવિડ મહામારી વચ્ચે લોકડાઉન બાદ એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં પ્રવાસ કરવા માટે કોવિડ સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ ટ્રેનનો ઉપયોગ બુટલેગરો દ્વારા પોલીસના નાક નીચેથી દારૂની હેરાફેરી કરવા માટે થઇ રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોની ધરપકડ વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બુટલેગરો દ્વારા અલગ-અલગ રીતો અપનાવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દારૂની હેરાફેરી કરતા હોય છે, પણ આ બે અમદાવાદના ગાંઠિયા સેલવાસથી 10,185 રૂપિયા કિંમતની 13 કાચની દારૂ અને 7 પ્લાસ્ટિકની બોટલ્સ સ્કૂલ બેગમાં ભરી અમદાવાદ AC ડબલ ડેકર કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા. બુટલેગર હિતેન્દ્ર ગાંધીની પોલીસ દ્વારા પૂછપરછ કરતા સામે આવ્યું કે, ઘણા સમયથી તેમને કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા હતા.આ દારૂની બોટલ્સ સેલવાસ ખાતેના બાર તથા મુંબઈ ખાતેથી અમિત નામના વ્યક્તિ પાસેથી લાવવામાં આવતો હતો અને પોતાના રહેણાંક વિસ્તારમાં છૂટકથી વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાંચના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-4 પર અમદાવાદ કોવિડ-19 AC ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેનમાંથી એક યુવક બે સ્કૂલ બેગ લઈ ઊતર્યો હતો. ક્રાઇમ બ્રાંચના જવાનોને શંકા જતા પોલીસે તેમને રોકી સ્કૂલ બેગોની તપાસ કરતા સમગ્ર ભાંડો ફુટ્યો હતો. જે બાદ ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોની ધરપકડ વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે.