08, ઓગ્સ્ટ 2025
અમદાવાદ |
2871 |
સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરની તમામ રજૂઆત સાંભળવા તૈયાર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાત દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આ નવા હોદ્દેદારો આગામી ૨૦૨૫-૨૬ના કાર્યકાળ માટે પદભાર સંભાળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે દુનિયા જાણે છે કે ભારત વૈશ્વિક લક્ષ્યો હાંસલ કરવા માટે સક્ષમ બન્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતુ કે, ગુજરાત સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નીતિઓને કારણે રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે રિયલ એસ્ટેટ સેક્ટર સરકારની નીતિઓથી સંતુષ્ટ છે.
મુખ્યમંત્રીએ વધુમાં એમપણ કહ્યું હતુ કે, નવી કન્સ્ટ્રક્શન સાઈટમાં ગ્રીન કવર અને વોટર હાર્વેસ્ટિંગ જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને.
નવનિયુક્ત પ્રમુખ આલાપ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, અમદાવાદ સમગ્ર દેશનું ફાઈનાન્સિયલ કેપિટલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા તરફ અગ્રેસર છે. સમગ્ર વિશ્વનું ધ્યાન અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા સૌ સ્ટેક હોલ્ડરની જવાબદારી વધી જાય છે. ક્રેડાઈ ગુજરાતના ઉપપ્રમુખ પદે મયંક પટેલની વરણી કરવામાં આવી હતી.