મુંબઇ 

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા અલવાને સિટી ક્રાઈમ બ્રાંચે બેંગ્લુરુએ નોટિસ ફટકારી છે. આદિત્ય અલવા સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો છે અને તે છેલ્લાં એક મહિનાથી ફરાર છે. આદિત્ય અને પ્રિયંકા ભાઈ-બહેન છે. આથી જ આદિત્ય સાથેના કનેક્શન અંગે બેંગ્લુરુ સિટી ક્રાઈમ બ્રાંચે પ્રિયંકાને નોટિસ આપી છે. આદિત્ય પર આક્ષેપ છે કે તેણે પોતાના કર્ણાટકના હેબ્બલ લેક સ્થિત ફાર્મહાઉસમાં અનેક રેવ પાર્ટી યોજી હતી અને અહીંયા સેન્ડલવૂડ સાથે જોડાયેલા અનેક સેલેબ્સ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા. 

એક્ટર વિવેક ઓબેરોયના મુંબઈના જુહૂ સ્થિત ઘરમાં બેંગ્લુરુ પોલીસે દરોડા પાડ્યા હતા. 15 ઓક્ટોબરના રોજ બપોરે એક વાગે બેંગ્લુરુ પોલીસના બે ઈન્સ્પેક્ટર એક્ટરના ઘરે આવ્યા હતા અને વિવેકની પત્ની પ્રિયંકાની પૂછપરછ કરી હતી. બેંગ્લુરુ પોલીસ સેન્ડલવૂડ ડ્રગ રેકેટ કેસમાં વિવેકના સાળા આદિત્ય અલવાને શોધે છે. સૂત્રોના મતે પોલીસને શંકા છે કે આદિત્યને ભગાડવામાં તેની બહેન એટલે કે વિવેકની પત્ની પ્રિયંકાએ મદદ કરી છે. આદિત્ય એક મહિનાથી ફરાર છે. 

અઢી કલાક સુધી પોલીસે વિવેકના ઘરે તપાસ કરી હતી. દરોડા દરમિયાન પોલીસ અધિકારીએ કહ્યું હતું, 'સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં આદિત્ય ફરાર છે. અમને માહિતી મળી હતી કે અલવા વિવેક ઓબેરોયના ઘરમાં છુપાયેલો છે. તેને શોધવા માટે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા. કોર્ટમાંથી વૉરંટ લેવામાં આવ્યું હતું અને પછી ક્રાઈમ બ્રાંચની ટીમ મુંબઈ આવી હતી.' 

સેન્ડલવૂડ ડ્રગ રેકેટ કેસમાં ચાર સપ્ટેમ્બરના રોજ રાગિનીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ રાગિનીનો પહેલો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે પોતાના સેમ્પલ સાથે ચેડાં કર્યાં હતાં. રાગિની ઉપરાંત કન્નડ એક્ટ્રેસ સંજના ગલરાનીની પણ ધરપકડ કરવામાં આવી હતી.