અમદાવાદ-

2020માં સાણંદની મહિલાની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. મહિલાને નંણદોઈ સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હોવાથી અવાર નવાર મહિલા નંણદોઈ સાથે ઝઘડો કરતી હોવાથી નણંદ અને નણંદોઈએ મહિલાને ચા માં ઘેનની દવા પિવડાવીને હાથપગ બાંધી નર્મદા કેનાલમાં નાખીને હત્યા કરી નાખી હતી. જો કે હાલ ક્રાઈમ બ્રાંચની ટીમે નણંદ અને નણંદોઈની સઘન પુછપરછ હાથધરી છે. બીજી બાજુ બંન્નેના રીમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથધરી છે.

સાણંદમાં રહેતા કોમલબેન નામની મહિલાની હત્યા કરી નર્મદા કેનાલમાં નાખી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી, જે અંગે પોલીસે બે આરોપીના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથધરી હતી. બીજી બાજુ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, કોમલની હત્યા કરનાર હિતેન્દ્રકુમાર પટેલ અને તેની પત્ની પુનિતા સાબરમતી રામનગર ખોડીયાર ચોક પાસે આવેલ જોગણી માતાના મંદિર સામે આવેલ બિલ્ડીંગમાં ઉભા છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ દરોડો પાડીને બંન્ને આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક કોમલ આરોપી હિતેન્દ્રભાઈના સગા સાળાની પત્ની હતી. વર્ષ 2019માં સાળાનું મોત થતા કોમલ તેના બાળકોને સાથે લઈને હિતેન્દ્ર સાથે ભાગી ગઈ હતી. બાદમાં છ મહિના પછી હિતેન્દ્રએ તેની પત્ની પુનિતાને મળી પોતાની ભુલ થઈ હોવાનું જણાવીને વિશ્વાસમાં કેળવી સાથે રહેવા લાગ્યો હતો. બીજી તરફ હિતેન્દ્ર કોમલને પણ ભાડાના મકાનમાં રાખતો અને બંન્ને સાથે જીવન ગુજારતો હતો. થોડા દિવસો પહેલા કોમલ હિતેન્દ્ર સાથે અવારહ નવાર ઝઘડો કરતી હતી. જેથી હિતેન્દ્રએ તેની પત્ની પુનીતાને કોમલ હેરાન કરતી હોવાની જાણ કરતા બંન્ને એ સાથે મળીને કોમલની હત્યા કરવાનો પ્લાન રચ્યો હતો. બાદમાં જાન્યુઆરી 2020માં કોમલની ચામાં ઘેનની ગોળીઓ નાખી કોમલને પિવડાવી દીધી હતી. ત્યારબાદ ઝુંડાલ સર્કલ પાસે જઈને કોમલના હાથ અને પગ બાંધીને નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચે બંન્ને આરોપીના રીમાન્ડ મેળવવાની કામગીરી હાથધરી છે.