દાહોદ-

દાહોદ જિલ્લામાં વધતા જતા મહિલા અત્યાચારના બનાવો ઉપર રોક લગાવવા સરકાર દ્વારા વિવિધ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. અને હાલ થોડા સમય અગાઉ તમામ ગામોમાં મહિલા સમિતિઓની રચના કરવા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.તેમ છતાં મહિલા અત્યાચારના બનાવો વધતા જઈ રહ્યા છે.જિલ્લામાં કેટલાક લોકો કાયદા અને નિયમોની અવગણના કરી કાયદા હાથમાં લઇ રહ્યા છે.તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં મહિલા અત્યાચારના બનાવમાં સંડોવાયેલા તત્વો કોઈક પ્રકારે કાયદાકિય કાર્યવાહીમાં રાખવામાં આવેલી છટકબારી માંથી છટકી જતા હોય મહિલા અત્યાચાર ઉપર રોક લાવવા કાયદાના હાથ પણ ટુંકા પડી જતા હોય છે.જેથી મહિલા અત્યાચારમાં સંડોવાયેલા તત્વો બેફામ બનતા જાય છે.તેવો જ મહિલા અત્યાચાર નો કિસ્સો ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે બનવા પામેલ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સાગડાપાડા ગામના ખૂંટા ફળીયામાં રહેતા મલીબેન મખલા ભાઈ વળવાઈ પોતાના મકાનના આંગણામાં બેઠા હતા.તેવા સમયે કુટુંબી દિયર દિતાભાઈ સકુડાભાઈ વળવાઈ તથા કુટુંબી ભત્રીજો પંકજ ભાઈ છગનભાઈ વળવાઈ હાથમાં લાકડી તથા પારૂભાઈ મકાભાઇ વળવાઈ તેમજ કુટુંબી દિયર રમણભાઈ જેતાભાઇ વળવાઈ નાઓ આવી મલીબેનને મા-બેન સમાણી બિભીત્સ ગાળો આપી જણાવતા હતા કે,ભાભોર કુટુંબના માણસો સાથે આપણે લડાઈ ઝગડો ચાલે છે,તો તું કેમ ભાભોર કુટુંબના બૈરાં-માણસો સાથે બોલાચાલીનો વ્યવહાર રાખે છે? તેમ કહી દિતાભાઈ વળવાઈએ લાત મારી હાથમાંની લાકડી મલીબેનના થાપા ઉપર ઉપર મારેલ.જ્યારે પંકજ વળવાઈએ મલીબેનના માથામાં લાકડીનો ફટકો મારતા ચામડી ફાટી લોહી નીકળી ગયેલ.અને આ ચાર માણસોએ મલીબેનને તેમના ઘર આગળથી ધસડી ભાભોર લોકોના ઘર આગળ મૂકી દેવાની છે.તેમ કરી રોડ ઉપર ભાભોર લોકોના મકાનો આગળ છોડી દેતાં તે જ સમયે સવિતાબેન વીરસીંગભાઇ ભાભોરનાઓ આવી ગયેલ.અને તમો માર મારીને મલીબેનને મારા ઘર આગળ કેમ મૂકી જાવ છો ? તેમ કહેતા આચાર વ્યક્તિઓએ સવિતાબેનને પણ મા-બેન સમાણી ગાળો બોલી જણાવતા હતા કે,હવે પછી તું ભાભોરોનાં ઘરો તરફ ગઈ તો તને જીવતી છોડીશુ નહીં તેમ ધમકી આપી જતા રહેલા હતા.આમ વળવાઈ તથા ભાભોર પરિવાર વચ્ચે જમીન સંબંધે ચાલતા વિવાદમાં વળવાઈ પરિવારની મહિલા ભાભોર પરિવારની મહિલાઓ સાથે બોલાચાલીનો સબંધ રાખતી હોવાના ની અદાવતે વળવાઈ પરિવારનાજ લોકોએ વળવાઇ પરિવારની મહિલાને જાહેરમાં માર મારતો વિડીયો વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના સમયમાં ચાર આરોપીઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.ઉપરોક્ત બાબતે અત્યાચારનો ભોગ બનેલ મલીબેન મખલાભાઈ વળવાઈએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા દિતાભાઈ સકુડાભાઈ, પંકજભાઈ છગનભાઈ, પારુભાઈ મકાભાઈ તથા રમણભાઈ જેતાભાઇ તમામ વળવાઈ રહે. સાગડાપાડા ખુંટાફળિયાનાઓની વિરૂધ્ધમાં સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.