દાહોદ-

દાહોદની બુરહાની સોસાયટીમાં એક વેપારીના ઘરમાં ઈન્કમટેક્ષ ઓફિસરના સ્વાંગમાં ઘૂસી આવેલા મહારાષ્ટ્રના ચાર જેટલા ભેજાબાજ લૂંટારું ઓએ ઇન્કમટેક્સ અધિકારીઓ હોવાની પોતાની ખોટી ઓળખ આપી. વેપારીને પકડી રમકડાની પિસ્તોલ અને ટેકવી વેપારી તથા પહેલા ઘરના સર્વેને ભયભીત કરી બે મહિલા સહિત ત્રણ જણાં પાસેથી બે મોબાઇલ તથા રોકડ રૂપિયા ૨૫,૦૦૦/- મળી રૂપિયા ૪૫,૦૦૦/- ની મતા લૂંટી નાસવા જતા ચાર લુટારુઓ પૈકી બેને સોસાયટીના લોકોએ ઝડપી પાડી બરાબરનો મેથીપાક ચખાડી દાહોદ ટાઉન પોલીસને સુપરત કર્યાનું જાણવા મળ્યું છે.

 હાલના વર્તમાન સમયમાં ભેજાબાજ લુટારુઓ કોઈને કોઈ નવી તરકીબ અજમાવી પોતાના લૂંટના કામને અંજામ આપતાં જોવા મળી રહ્યા છે. તેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાક પોલીસના હાથે ઝડપાઈ જાય છે. આવા જ એક દાહોદની બુરહાની સોસાયટીમાં બનેલા લૂંટના બનાવમાં આજે સવારે મોટો હાથ મારવાના ઇરાદે મહારાષ્ટ્રના વાસીમ જિલ્લાના વાસિમ નગરના સચિન રોહિતદાસ વાઘમારી, મહારાષ્ટ્રના ચીખલી નગરના વિવેક માધવરાવ દેશમુખ, ભાગવતપાલ કોર તથા ઈર્શાદ મુસલમાન એમ ચારે જણા બુરહાની સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય સબીરભાઈ ફિરોજભાઈ લેનેવાલાના ઘરમાં આવી પોતે ઈન્કમટેક્ષ ઓફિસર હોવાની ખોટી ઓળખ હતી. ઘરઘણી સબીરભાઈ લેનેવાલાને તથા તેમની પત્ની જેનબબેનને આ ચારેય જણા બનાવટી હોવાનો શક પડતા તેઓએ ઈન્કમટેક્ષ ઓફિસર હોવાના પુરાવા માગતાં ચાર જણા પૈકી એક જણાએ સબીરભાઈના લમણે રમકડાની પિસ્તોલ ટેકવી શબ્બીરભાઈ તથા તેમના ઘરના માણસોને ભયભીત કરી બાનુબેનના હાથ ખર્ચીના રૂ.૨૫,૦૦૦/- તથા જેનબબેન પાસેથી રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો વન પ્લસ સેવન કંપનીનો મોબાઇલ ફોન તથા અમાર પાસેથી રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો ઓપો કંપનીનો એફ ૧૯ મોબાઇલ ફોન મળી આશરે રૂપિયા ૪૫,૦૦૦/- ની મતાની લૂંટ કરતા સબીરભાઈએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. તે વખતે ચારે લૂંટારુઓએ નાસવાનો પ્રયાસ કરતા લોકોએ આ ચાર પૈકી સચિન રોહિતદાસ વાઘમારી તથા વિવેક માધવરાવ દેશમુખને ઝડપી પાડ્યા હતા અને દોરડાથી બાંધી બરાબરનો મેથીપાક ચખાડી દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને સદર ઘટના અંગેની જાણ કરતા દાહોદ ટાઉન પોલીસ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી હતી. સોસાયટીના લોકોએ પકડેલા ઉપરોક્ત બંને લૂંટારૂઓને દાહોદ ટાઉન પોલીસના હવાલે કર્યા હતા. જ્યારે ભાગવતપાલ કોર, ઈર્શાદ મુસલમાન એમ બંને લુટારુઓ સોસાયટીના લોકોને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યા હતા. આ સંબંધે દાહોદ સ્ટેેશન રોડ બુરહાની સોસાયટીમાં રહેતા શબ્બીરભાઈ ફિરોજભાઈ લેનેવાલાએ નોંધાવેલી ફરિયાદના આધારે દાહોદ ટાઉન પોલીસે ઈપીકો કલમ ૩૯૨,૧૭૦,૧૧૪ મુજબ લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી નાસી ગયેલા ઉપરોક્ત બંને લૂંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને લૂંટમાં ગયેલ મુદામાલ રિકવરી કરવાની કામગીરીમાં પોલીસ જોતરાય છે.