ગાંધીનગર-

બે દિવસ પહેલા રૂપાણી સરકાર હતી આજે તે સરકાર જુની થઇ છે.ગઇ કાલથી ભુપેન્દ્ર પટેલની સરકાર આવી અને ભાજપનાં ડખા પણ બહાર આવ્યા છે.નવા સીએમ આવ્યા તો મંત્રીઓ પણ નવા માટે જૂના મંત્રીઓ પોતાના બંગલા અને ઓફિસ ખાલી કરવામાં લાગ્યા છે.જ્યારે અમુક સિનિયર નેતાઓ નારાજ હોવાથી આજની શપથવિધી પણ મોકૂફ રાખવામાં આવી છે.

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે શપથ લીધા હતા. ત્યારે નવા મંત્રીઓમાં 'નૉ રિપીટ' ની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે સ્વર્ણિમ સંકુલમાં સિનિયર મંત્રીઓએ નિવાસસ્થાન ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે. મંત્રીઓના કાર્યાલયમાં જૂની ફાઈલ અને ડોક્યુમેન્ટ સહિત ઓફિસનો સામાન ખાલી કરવામાં આવી રહ્યો છે. નવા મંત્રીઓની જાહેરાત અને શપથ બાદ નવા મંત્રીઓને ઓફિસ સોંપવામાં આવશે.

ભાજપના તમામ ધારાસભ્યો MLA ક્વાર્ટર્સ પહોંચ્યા છે. એ સિવાય અનેક યુવા ચહેરાઓ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના બંગલે જોવા મળ્યા હતા. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 'નૉ રિપીટ'ની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. વહેલી સવારથી પાટીલના બંગલે થઈ રહેલી ચહલપહલમાં અત્યારસુધી હર્ષ સંઘવી, મનીષા વકીલ, મનીષા સુથાર, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદ પટેલ પહોંચ્યાં હતાં. ગોવિંદ પટેલ પાટીલને મળીને થોડીક જ ક્ષણોમાં બહાર નીકળી ગયા હતા, જ્યારે ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી સહિતના ધારાસભ્યો હજી પાટીલના બંગલામાંથી બહાર આવ્યા નથી, જેથી મંત્રીપદ કોને મળશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ગુજરાતમાં નવી સરકારની રચના બાદ મંત્રીઓને ઓફિસ અને સ્ટાફની ફાળવણી કરવામાં આવશે, પણ નવા મંત્રીઓ સાથે તેમના અંગત સ્ટાફની નિમણૂક ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવશે, જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નવા મંત્રીમંડળના કાર્યાલય માટે અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરવા માટેની કાર્યવાહી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં વચગાળાની વ્યવસ્થા કરવાના ભાગરૂપે શરૂ કરેલી આ પ્રક્રિયામાં સેકશન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી વર્ગના કુલ 70 અધિકારીનાં નામની યાદી તૈયાર કરી દીધી છે.