નસવાડી,તા.૧૧

પુલ બાંધકામના બિલના ૧.૨૦ કરોડની ચુકવણી માટે બિલની રકમના દસ ટકા લાંચની માંગણી કર્યા બાદ ઈજારેદાર પાસેથી બે લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલો નસવાડી પંચાયતના માર્ગ-મકાન વિભાગનો ડે.ઈજનેર હરીશ ચૈાધરી આજે મોડી સાંજે નસવાડીના રેસ્ટ હાઉસમાંથી પોલીસને ચકમો આપી ફરાર થતાં તેને શોધવા એસીબી અને જિલ્લા પોલીસેમાં દોડધામ મચી હતી.

નસવાડી પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેન (નાનો પુલ)નું એક ઈજારદારે કામ પુર્ણ કર્યું હતું જે કામ પેટે કુલ ૧.૨૦ કરોડનું બીલ થયું હતું. દરમિયાન ઈજારેદારને બીલના નાણાં ચુકવવાનું મંજુર થતાં માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના ડેપ્યુટી ઈજનેર હરીશ સરદારભાઈ ચૈાધરીએ ઈજારેદાર પાસે બિલ પાસ કરવા માટે બિલના નાણાંના દસ ટકાની લાંચની માગણી કરી હતી. જાેકે વાટાઘાટાના અંતે ૧૦ લાખની રકમ માટે સહમતિ સંધાતા ઈજારેદારે ડેપ્યુટી ઈજનેરને પહેલા બે લાખ રૂપિયા ચુકવ્યા હતા. જાેકે ત્યારબાદ ડે.ઈજનેર હરીશે ઈજારદારને વારંવાર ઓફિસે બોલાવી બાકીના નાણાંની માગણી શરૂ કરી હતી પરંતું ઈજારેદાર તેને વધુ નાણાં આપવા માંગતા ન હોય તેમણે આ અંગેની વડોદરા એસીબીમાં ફરિયાદ કરી હતી.

લાંચિયા ડે.ઈજનેરને ઝડપી પાડવા માટે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં હરીશ ચૈાધરી બે લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતાં એસીબીની ટીમે તેની અટકાયત કરી હતી અને તેની વિરુધ્ધ છોટાઉદેપુર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. લાંચિયા ડેપ્યુટી ઈજનેરને એસીબીની ટીમ પ્રાથમિક કાર્યવાહી બાદ વધુ પુછપરછ માટે નસવાડી રેસ્ટ હાઉસમાં લાવી હતી. આશરે એકાદ કલાકની પુછપરછ બાદ મોડી સાંજે ડે.ઈજનેર એસીબીની ટીમને ચકમો આપી ફરાર થયો હતો. લાંચના ગુનામાં ઝડપાયેલો આરોપી ફરાર થયાની જાણ થતાં જ એસીબીની ટીમે તેની પ્રાથમિક શોધખોળ બાદ આ બનાવની નસવાડી પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસમાં પણ દોડધામ મચી હતી. ડે.ઈજનેર આરામથી એસીબીને ચકમો આપીને ફરાર થતાં એસીબીની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે.

નસવાડી સરકારી રેસ્ટ હાઉસમાં જ સીસીટીવી કેમેરા નથી

જિલ્લા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા નહી લગાવીને જાહેરનામાના ભંગ બદલ રોજેરોજ ફરિયાદો નોંધાય છે પરંતું આજે ડે.ઈજનેર ફરાર થવાના બનાવમાં ખુદ નસવાડીના સરકારી રેસ્ટ હાઉસમાં જ સીસીટીવી કેમેરા નહી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. સીસીટીવી કેમેરા નહી હોવાના કારણે લાંચિયા ડે.ઈજનેર ક્યાંથી અને કોની મદદથી ફરાર થયો તેની કોઈ વિગતો પોલીસને મળી નથી. જાેકે ડે.ઈજનેરને બે સ્થાનિક કોન્ટ્રાકટરો ગાડીમાં બેસાડીને ભગાડી ગયાની વિગતો ચર્ચામાં આવતા નસવાડી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.