અમદાવાદ, શહેરમાં મેટ્રો ટ્રેન શરુ થયાને ત્રણ મહિના થવા આવ્યા છે. જાેકે, હજુય મેટ્રોને ધાર્યો પ્રતિસાદ નથી મળી રહ્યો. પીક-અવર્સને બાદ કરતા મેટ્રો ટ્રેનો મોટાભાગે ખાલી જ જાેવા મળી રહી છે. તેવામાં સત્તાધીશો દ્વારા મેટ્રોના ખર્ચા ઓછા કરવા માટે લગભગ તમામ સ્ટેશનો પર એસ્કેલેટર્સ તેમજ લિફ્ટ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. મેટ્રોના અધિકારીઓનું માનીએ તો ૧૫ વર્ષના ગાળામાં મુસાફરોની સંખ્યા કેટલી વધશે તેનું આકલન કરીને એસ્કેલેટર્સ સહિતની સુવિધા ઉભી કરાઈ હતી. વળી, મેટ્રોમાં પ્રવાસ કરતા મોટાભાગના લોકો એસ્કેલેટર્સ વાપરતા પણ ના હોવાનો એક અધિકારીએ દાવો કર્યો હતો.

અમદાવાદમાં ઓક્ટોબર મહિનાની શરુઆતમાં જ મેટ્રો ટ્રેનને સામાન્ય જનતા માટે ખૂલ્લી મુકવામાં આવી હતી. હાલ શહેરમાં વાસણા એપીએમસીથી મોટેરા અને વસ્ત્રાલથી થલતેજ વચ્ચે મેટ્રો દોડે છે. અમદાવાદનો મેટ્રો રુટ કુલ ૩૨ કિલોમીટર લાંબો છે. જાેકે, સર્વિસ ચાલુ થઈ ગઈ હોવા છતાંય હજુ સુધી સાબરમતી, થલતેજ તેમજ કાંકરિયા મેટ્રો સ્ટેશન શરુ નથી થઈ શક્યા. એટલું જ નહીં, મેટ્રોનો ટાઈમિંગ પણ સવારે નવથી રાત્રે આઠ વાગ્યા સુધીનો જ છે. મતલબ કે, અમદાવાદમાં મેટ્રો રોજના ૧૨ કલાક પણ નથી દોડતી.

એક તરફ મેટ્રો ટ્રેન ચલાવવા માટે રોજનો ખર્ચો કરોડોમાં આવે છે તો બીજી તરફ, ટિકિટ પેટે મેટ્રોને માંડ સાડા પાંચ લાખ રુપિયાની રોજની આવક મળે છે. રવિવાર કે રજાના દિવસોમાં મેટ્રોમાં ૫૫ હજાર જેટલા પેસેન્જર મુસાફરી કરે છે, પરંતુ સામાન્ય દિવસોમાં આ આંકડો ૩૫ હજાર કરતા પણ ઓછો છે.

હાલ શહેરમાં દોડતી મેટ્રોની ફ્રિકવન્સી પણ ૩૦ મિનિટની છે, મતલબ કે જાે પેસેન્જર એક ટ્રેન ચૂકી જાય તો બીજી ટ્રેન માટે તેને અડધો કલાક રાહ જાેવી પડે છે. જેનાથી મુસાફરોને ખાસ્સી અગવડતા પડી રહી છે. એટલું જ નહીં, મેટ્રો જે સ્ટેશન પર ઉતારે છે ત્યાંથી પેસેન્જરને જે ચોક્કસ જગ્યા પર પહોંચવાનું છે તેની કનેક્ટિવિટી પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી. જેના કારણે અનેક લોકો મેટ્રોમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. એટલું જ નહીં, પાર્કિંગ ફેસિલિટી ના હોવાના કારણે પણ ઘણા લોકો માટે મેટ્રો સ્ટેશન પહોંચવું અઘરું બની જાય છે. સૂત્રોનું માનીએ તો, શરુઆતના સમયમાં કેટલાક મેટ્રો સ્ટેશનો પર પ્રોપર્ટીને નુક્સાન પણ કરવામાં આવ્યું હતું. આખરે મેટ્રો સ્ટેશનોને ચોખ્ખા રાખવા માટે પાન-મસાલાની પિચકારીઓ મારવા ઉપરાંત મેટ્રોની સંપત્તિને નુક્સાન પહોંચાડવા આકરો દંડ વસૂલ કરવાનું શરુ કરવામાં આવ્યું હતું.