વડોદરા, તા. ૧૬

રાજયભરમાં ચર્ચા જગાડનારા ગુજરાત પબ્લિક યુનિ.બિલ-૨૦૨૩ આજે વિધાનસભામાં બહુમતિના જાેરે મંજુર કરવામાં આવતા વિશ્વવિખ્યાત મ.સ.યુનિ.ની સ્વાયત્તતાનો અંત આવ્યો છે જેને પગલે યુનિ.ના સત્તાધીશોમાં સોંપો પડી ગયો છે. આ કોમન એક્ટ બિલનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જયારે મ.સ. યુનિ.ના કેટલાક સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ આ બિલને આવકારી હવે મ.સ.યુનિ.નું શૈક્ષણીક સ્તર ઉંચુ આવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

રાજયભરની ૧૧ યુનિ.ને સંલગ્ન ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ-કોમન એક્ટ બિલ વિધેયકને ગત ૨૦૦૪, ૨૦૧૬ અને ૨૦૨૧માં મંજુર કરવા માટે પ્રયાસો કરાયા હતા પરંતું તેનો વિરોધ થતાં તે મંજુર થઈ શક્યું નહોંતું. ચાલુ વર્ષે પણ આ બિલ ફરી વિધાનસભામાં રજુ કરવામાં આવ્યું હતું જેનો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિરોધ કરી બિલના વિરોધમાં મતદાન કર્યું હતું પરંતું ચર્ચાના અંતે બહુમતિના જાેરે આ બિલને મંજુરી મળી હતી. કોમન એક્ટ બિલ પાસ થયાની જાણ થતાં જ યુનિ.ના સત્તાધીશોમાં સોંપો પડી ગયો છે.

આજે મંજુર થયેલા કોમન એક્ટ બિલથી વડોદરાની વિશ્વવિખ્યાત મ.સ.યુનિ.ની પણ સ્વાયત્તતા સમાપ્ત થતી હોઈ તેનો યુનિ.ના સેનેટ સભ્યો અને સિન્ડિકેટ સભ્યો અને શૈક્ષણીક આલમમાં મિશ્ર પ્રત્યાઘાતો પડયા છે. આ બિલને મંજુરી મળતાં કેટલાક સિન્ડીકેટ અને સેનેટ સભ્યોએ બિલને કાળા કાયદા સમાન ગણાવી બિલ પાસ થવાની ઘટનાને દુઃખદ ગણાવી હતી તો અન્ય સિન્ડીકેટ અને સેનેટ સભ્યોએ બિલને આવકારી તે યુનિ. અને શિક્ષણના હિતમાં ગણાવી હતી. બીજીતરફ આ બિલના પાસ થવા અંગેની યુનિ.ના ચાન્સેલર શુભાંગીનીરાજે ગાયકવાડનો સંપર્ક નહી થતા તેમની પ્રતિક્રિયા જાણી શકાઈ નહોંતી.

વડોદરાના નાગરિકો માટે કમરતોડ સાબિત થશે

સ્વપ્નદ્રષ્ટા મહાન રાજીવ સયાજીરાવ ગાયકવાડની અમુલ્ય ભેટ એવી ૧૦૦ વર્ષ જુની મ.સ.યુનિ.ને ભાજપા સરકારના શાસકોએ ગુલામીની બેડીઓમાં બાંધી સ્વાયત્તા ખતમ કરી નાખી છે. વડોદરાના નાગરિકો માટે મ.સ.યુનિ.માં ૭૦ ટકા બેઠકો અનામત છે જે તમામ માટે ભણવાની વ્યવસ્થા છે. આ બિલથી મ.સ.યુનિમાં પણ કોમર્સ, સાયન્સ અને આર્ટસ જેવા કોર્સમાં ગ્રેજ્યુએટ થવા માટે એન્જિ.,મેડિકલ કોર્સ જેવા લાખોનો ખર્ચો થશે જે વડોદરાના નાગરિકો માટે કમરતોડ સાબિત થશે.

-નરેન્દ્ર રાવત, સેનેટ સભ્ય, મ.સ.યુ.

૮૦ ટકા હાજરીથી શૈક્ષણિક સ્તર સુધરશે

કોમન યુનિ.એક્ટ બિલથી યુનિ.માં રાજકિય હસ્તક્ષેપ, જુથબંધી, એકહથ્થુ શાષણ અને ખોટી તરફેણ હોય તો તે દુર થશે. કોમન એજ્યુકેશન પોલીસી લાગુ પડશે તેમાં કોઈ સ્ટુડન્ટ લીડર, સેનેટ કે સિન્ડીકેટ સભ્યોની દરમિયાનગીરી નહી હોય તેના કારણે શિસ્તની ગુણવત્તા જળવાશે. કેટલીક ફેકલ્ટીમાં માત્ર દસ ટકા વિદ્યાર્થીઓ જ ભણવા આવે છે બાકીના ટ્યુશન ક્લાસમાં જાય છે જયારે આ બિલથી યુનિ.માં ૮૦ ટકા હાજરી ફરજિયાત થતાં શિક્ષણનું સ્તર પણ ઉંચુ આવશે.

- હસમુખ વાઘેલા, સરકાર નિયુક્ત સિન્ડિકેટ-સેનેટ સભ્ય

પારદર્શક વહીવટ થાય તેવા બોર્ડ બને તેવી અપેક્ષા

વડોદરાની ઘરેલું મ.સ.યુનિ.માં પબ્લિક પાર્ટીશીપેશન ઓછુ થઈ હવે સરકારના હાથમાં આવ્યું છે તો હવે એવી અપેક્ષા રાખીયે કે મ.સ.યુનિ.માં શૈક્ષણીક અને બિનશૈક્ષણીક વિભાગમાં સ્ટાફના અને નિમણુંકના જે પડતર પ્રશ્નો છે તે તાત્કાલિક ઉકેલવા જાેઈએ. અત્યાર સુધી પબ્લિક પાર્ટીશીપેશન હતું જેથી યુનિ.માં થતી ગેરરીતી સેનેટ-સિન્ડીકેટ સભ્યોના કારણે તુરંત સપાટી પર આવતી હતી. સરકાર દ્વારા વીસીની નિમણુંક સહિત એવું બોર્ડ બનાવે કે જેનાથી પારદર્શક વહિવટ થાય.

-મયંક પટેલ, સિન્ડિકેટ સભ્ય, મ.સ.યુ.