વડોદરા, તા.૩૧

વડોદરા શહેરમાં નવા બોર્ડના ગઠન બાદ શહેરને ઢોરમુક્ત કરવા, વિશ્વામિત્રી નદીને સ્વચ્છ બનાવવા જેવી અનેક જાહેરાતો કરાઈ હતી, પરંતુ વાસ્તવિકતામાં કાંઈ થયું નથી. ત્યારે નવા વર્ષમાં લોકોને બે ટાઈમ પાણી, ડ્રેનેજ, રોડ, સ્ટ્રીટલાઈટ વગેરેની પ્રાથમિક જરૂરિયાતની સુવિધા યોગ્ય રીતે મળે તેવું આયોજન કરવા માગ કરી છે.

પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શહેરમાં ગાયોનો ત્રાસ છે. શહેરને ઢોરમુક્ત કરી દેવા માટે અમે જે તે વખતે ધ્યાન દોરેલું છે. ઉતાવળે કામ ન થાય, દરેક વસ્તુનું સમાધાન થાય. પરંતુ અમારી કોઈપણ વાત સાંભળવી નહીં. વિરોધ પક્ષના કોઈપણ કામની અંદર બજેટ મુકવાનું નહીં અને વિરોધ પક્ષનું કામ ટલ્લે ચઢાવવાનું આવી બધી સૂચના આપેલી હોય તેમ લાગે છે. ત્યારે નવા વર્ષની અંદર શહેરના હિતમાં શું શું કરવા જેવું છે એ કરીએ. જેમ કે, પાર્કિંગ, ફાયર બ્રિગેડની વાત છે. વિશ્વામિત્રીની વાત હોય, રૂપારેલ કાંસ, ભૂખી કાંસ, મસિયા કાંસની કામગરીી અને નાગરિકોને બે સમય ચોખ્ખું પાણી મળે, ડ્રેનેજ, રોડ, લાઈટની સુવિધાઓ મળે.

કોરોનાકાળે ફરી માથું ઊંચકયું છે. ઓમિક્રોન જેવા રોગ પણ પ્રસરી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન અને સૂચના મુજબ કામગીરી કરવા અને પક્ષાપક્ષી અને હંુસાતુંસી બાજુ પર મુકી નાગરિકોના હિત માટે કામગીરી કરવામાં આવે તેવી માગ કરી છે.