લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026 |
2277
મોડાસા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલા નકલી દૂધના કારોબાર મુદ્દે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણ પટેલ અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામ સોલંકીએ મોડાસા ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે અરવલ્લી અને સાબરકાંઠામાં નકલી દૂધનો કારોબાર ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. કેટલાય સામાજિક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક અને સ્પષ્ટ કાર્યવાહી જાેવા મળી નથી. આ મામલે ખાસ કરીને સાબર ડેરી દ્વારા સૂચક મૌન ધારણ કરવામાં આવ્યું હોવું નવાઈજનક અને શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું. પશુપાલકો અને ગ્રાહકો બંનેના હિતોને અસર કરતી આ ગંભીર બાબતમાં સંબંધિત સંસ્થાઓ અને તંત્રની નિષ્ક્રિયતા લોકોમાં અનેક સવાલો ઉભા કરે છે. જિલ્લાઓમાં નકલી દૂધ ઠલવાઈ રહ્યું હોય અને તેનો ખુલ્લેઆમ વેચાણ થતું હોય તો તે આરોગ્ય માટે ઘાતક અને અત્યંત દુ:ખદ બાબત છે. ભાજપના નેતાઓ પણ આ મુદ્દે મૌન સાધી રહ્યા હોવાનું જણાવતાં કોંગ્રેસ આગેવાનોએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું આ મુદ્દે રાજકીય દબાણ હેઠળ સત્ય દબાવાઈ રહ્યું છે? કોંગ્રેસ દ્વારા આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવાની, દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની તથા નકલી દૂધના કારોબારને તાત્કાલિક બંધ કરાવવાની જાેરદાર માંગ કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે નકલી દૂધનો કારોબાર બંધ થવો જાેઈએ અને દોષિતો સામે પગલાં ભરવા જાેઈએ. ભાજપની સરકાર પગલાં લેવા આગળ આવવું જાેઈએ. અરૂણ પટેલ, રામ સોલંકી, રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. અંતમાં કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે જાે તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો જિલ્લાકક્ષાએ જનઆંદોલન અને ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
સાબરડેરીમાં નકલી દૂધ મામલે ડિરેક્ટરો વચ્ચે ઘર્ષણ મામલે ઝઘડાની અદાવતમાં સમર્થક ઉપર હુમલાની ઘટના સામે આવતાં ચકચાર
સાબરડેરીમાં નકલી દૂધ મામલે ડિરેક્ટરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ અદાવતમાં મોડાસામાં ડિરેક્ટરોના સમર્થકોમાં હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. આ ઘટનામાં ડિરેક્ટરના સમર્થકને ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના અંગે અત્યાર સુધીમાં કોઈ પણ પોલીસ ફરિયાદ કરાઇ ન હતી અને બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. બીજી બાજુ ડિરેક્ટરો વચ્ચે નકલી દૂધ મામલે થયેલા ઝઘડામાં હવે સમર્થકો વચ્ચે ઝઘડાના મંડાણ શરૂ થયા છે. મોડાસામાં તાલુકા સંઘ પાસે સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે થયેલી તકરારના મામલે ડિરેક્ટરની ઓફિસ પાસે તેમના ટેકેદાર પર હુમલો કરાતાં સહકારી માળખામાં ખળભળાટ મચી ગયો હતો. ઈજાગ્રસ્ત થયેલ ટેકેદારને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. સાબર ડેરીમાં થયેલી તકરારની અદાવતમાં ડિરેક્ટરના પરિવારની દીકરીને હેરાનગતિ બાદ મામલો બિચક્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.