વડોદરા : તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ર૦-ર૦ ક્રિકેટ મેચમાં પાકિસ્તાનના વિજય બાદ જિંદાબાદના નારા લગાવી જીતની ઉજવણીમાં ફોડેલા ફટાકડા ફોટા ફેસબુક એકાઉન્ટના માધ્યમથી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રાષ્ટ્રવિરોધ કૃત્ય કરનાર ગોઠડાના ઉસ્માન ચૌહાણ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવા બદલની અરજી એક નાગરિકે નંદેસરી પોલીસ મથકે કરી છે.

તાલુકાના સાંકરદા ગામમાં પટેલ ખડકીમાં રહેતા કૃણાલભાઈ વિરેન્દ્રભાઈ પટેલે નંદેસરી પોલીસ મથકે આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, પોતે ખેતીકામ કરી પરિવાર સાથે રહું છું. ગત તા.૨૪ ઓકટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, જે મેચમાં પાકિસ્તાનની ટીમ જતી જતાં ગોઠડા ગામમાં ચૌહાણ વગામાં રહેતા ઉસ્માન ચૌહાણ ઉર્ફે સુફિયાન ખાન નામની વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પોતાના ફેસબુક એકાઉન્ટમાં પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ તેમજ જીતની ઉજવણીમાં ફોડેલા ફટાકડા ફોટા અપલોડ કર્યા હતા તેમજ અભદ્ર વિવરણ કરીને સમગ્ર ભારતવાસીઓની લાગણી દુભાવી છે અને વિજેતા ટીમના દેશના જિંદાબાદી નારા પણ લગાવ્યા છે, જે રાષ્ટ્રવિરોધી કૃત્ય પણ તેના દ્વારા કરવામાં આવ્યું હતું. તેના લીધે ગુજરાતની સમગ્ર જનતાની લાગણીને ધ્યાનમાં લઈને આ રાષ્ટ્રવિરોધી કૃત્ય કરનાર વ્યક્તિ વિરુદ્ધ નંદેસરી પોલીસ મથકમાં અરજી આપી છે. આ વ્યક્તિએ દેશવિરુદ્ધ કૃત્ય કર્યું છે. જાે તેના ફેસબુક આઈડીને સર્ચ કરી તમામ વિગતો જાણીને તેના ઉપર દેશના વિરુદ્ધ અભદ્ર પ્રકારનું તેમજ છલકતું કૃત્ય કર્યા બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરશો તેવો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.