વડોદરા,તા.૨૪  

વડોદરા શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડના ભાવો નીચા હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી કુદકેને ભૂસકે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ઉગ્ર આક્રોશની લાગણી વ્યક્ત કરી છે.તેમજ આને લઈને શહેર કોંગ્રેસ દ્વારા કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિર પાસે અને તાલુકા કોંગ્રેસ દ્વારા રણોલી ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.સમગ્ર દેશમાં અને ગુજરાતમાં છેલ્લા ૧૭ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજે રોજ વધારો થતો રહ્યો છે. જેને લઈને પેટ્રોલનો ભાવ બે વર્ષની ટોચની સપાટીએ પહોંચી ગયો છે.આ પ્રશ્નને લઈને શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દેખાવો યોજાયા હતા.શહેર કોંગ્રેસના ઋત્વિક જોશી અને નિલેશ બ્રહ્મભટ્ટ દ્વારા સાયકલ ચલાવીને કાલાઘોડા પંચમુખી હનુમાન પાસે આવ્યા હતા.જ્યાં જમીન પાર બેસીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરતા પોસ્ટર પહેરી ગીતો ગાઈ અનોખી રીતે વિરોધની સાથોસાથ આક્રોશ વ્યક્ત કર્યો હતો.જયારે ભાજપ સરકાર દ્વારા કરાતા આ ભાવવધારાના વિરોધમાં તાલુકા કોંગ્રેસ દ્વારા રણોલી ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.તેમજ ધરણા કર્યા હતા.જે મામલે છાણી પોલીસ દ્વારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ જયેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દિલીપ ભટ્ટ, સંગઠનના મહામંત્રી હિતેશ દેસાઈ,યુથ કોંગ્રેસના નેતા રાજુ માસ્ટર સહિતના અગ્રણીઓની અટકાયત કરી હતી.